ખંડેરાવ માર્કેટ પાસેથી ટ્રાફિકમાં નડતરરૂપ ફ્રુટના વેપારીઓનો જથ્થો જપ્ત
કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા આજે ખંડેરાવ માર્કેટની આસપાસ ઉભા રહેતા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થતા જ અહીં વેપાર કરતા ફ્રુટના વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
શહેરની મધ્યમાં કોર્પોરેશનની મુખ્ય વડી કચેરી ખંડેરાવ માર્કેટની બહાર વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ રીતે ફ્રૂટના વેપારીઓ વ્યવસાય કરે છે. તેઓને દૂર કરવા માટે અનેક પ્રયાસો થયા છે પરંતુ અવાર નવાર વેપારીઓ અહીં પોતાના લારી, ગલ્લા, પથારા લગાવી દેતા ટ્રાફિકના અવર જવરમાં તકલીફ ઊભી થતી હોય છે. આ અંગે ઉચ્ચસ્તરે નીતિ વિષયક નિર્ણય ન લેવામાં આવતા નિયમિત રીતે ફ્રૂટના વ્યાપારીઓ અહીં અડીંગો જમાવીને વેપાર કરવા લાગે છે. તેમ જ અહીં દુકાન ધરાવતા વેપારીઓ પોતાના દુકાનની બહાર સુધી ફ્રુટના જથ્થો ખડકી દે છે જેથી રાહદારીઓને પણ હેરાન થવું પડે છે. આજે પાલિકા તંત્રએ અહીંથી ટ્રાફિકમાં નડતરરૂપ અનેક વેપારીઓના ફ્રૂટનો જથ્થો જપ્ત કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.