MSUમાં ખાડે ગયેલી સુરક્ષા વ્યવસ્થા, રોજ 15 થી 20 સિક્યુરિટી ગાર્ડ ગેરહાજર
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા ખાડે ગઈ છે.હેડ ઓફિસ સિવાય કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થામાં એટલા બધા છીંડા છે કે, છાશવારે વિદ્યાર્થીઓ અસલામતી અનુભવે તેવી કોઈને કોઈ ઘટના બનતી હોય છે.
દરમિયાન એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે, વર્તમાન સિક્યુરિટી કંપનીનો કોન્ટ્રાકટ જૂન મહિનામાં જ પૂરો થઈ ગયો હતો.છેલ્લા ૬ મહિનાથી નવો કોન્ટ્રાક્ટ આપવા માટે કોઈ હિલચાલ કરવામાં આવી નથી.વર્તમાન સિક્યુરિટી કંપનીને એક્સેટેન્શન આપીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે સરકારના નિયમો પ્રમાણે યુનિવર્સિટીમાં ત્રણ રેગ્યુલર શિફટ અને એક જનરલ શિફટ માં ૨૦૦ સિક્યુરિટી જવાનો ફરજ બજાવતા હોય છે.સરકારના નિયમ પ્રમાણે આ વર્ષે સિક્યુરિટી જવાનનો પગાર ૧૫૦૦૦ રુપિયાથી વધારીને ૧૭૦૦૦ રુપિયા કરવાનો હતો પરંતુ આ પગારમાં પણ યુનિવર્સિટી સત્તાધીશોએ વધારો કર્યો નથી અને તેના કારણે રોજ ૧૫ થી ૨૦ સિક્યુરિટી જવાનો નોકરી પર ફરજ બજાવવા માટે હાજર હોતા નથી.
જાણવા મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર દ્વારા પણ આ મુદ્દા પર પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવના કાર્યકાળમાં વારંવાર સિક્યુરિટીના કોન્ટ્રાકટ, સિક્યુરિટી જવાનોની અપૂરતી સંખ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.જોકે એ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.હવે જ્યારે ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સલેર તરીકે રાજીનામુ આપવું પડયું છે ત્યારે સિક્યુરિટીના કોન્ટ્રાકટનો મુદ્દો અધ્ધરતાલ જ રહે તેવી શક્યતા છે.કારણકે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ તેના પર નિર્ણય લે તેમ લાગતું નથી.