ભરતીની જાહેરાત : ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની 188 જગ્યાઓ માટે અરજી મંગાવી, 16 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ
Government Job Recruitment in Gujarat : રાજ્યમાં પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે. આ માટે ઉત્સુક ઉમેદવારો 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.
પગાર ધોરણ
ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.
વયમર્યાદા અને લાયકાત
- અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
- કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
- વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
વર્ગ 3 માટે ભરતી અંગે હસમુખ પટેલે કરી હતી જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ત્યારે હવે ગૌણ સેવાએ હાલ 188 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
પરીક્ષામાં કરાયા મોટા ફેરફાર
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.