ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ
Raid on IPS Officer Home: અમદાવાદ ખાતે પાલડી વિસ્તારમાં શેરબજારના ઓપરેટર પિતા-પુત્ર મેઘ અને મહેન્દ્ર શાહના ભાડે રાખેલા ફ્લેટમાંથી સોના, ઘરેણા સહિત રૂ.100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ તપાસ એજન્સીઓએ અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા ખાતે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શેરબજાર નિયમનકાર સેબીએ અમદાવાદના શાંતિગ્રામ ખાતે આવેલા નિવાસે દરોડા પાડ્યા હતા. હિન્દી ભાષી અને મૂળ દિલ્હીના શેરબજાર ઓપરેટરને ત્યાં દરોડા પડ્યા હતા. આ સિવાય ગુજરાતના એક આઈપીએસ પોલીસ અધિકારી રવિન્દ્ર પટેલ પણ સેબીને ઝપટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: સોનાના બિસ્કિટ, 11 લક્ઝરી ઘડિયાળ અને કરોડોની રોકડ; અમદાવાદમાંથી ઝડપાયેલું સોનું વિદેશથી લવાયું હતું
આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના ગાંધીનગર નિવાસસ્થાન ઉપરાંત વતન ખેડબ્રહ્મા નજીક રોધરા ગામે (જીલ્લો સાબરકાંઠા) અને ગલોડીયા ગામે સેબીએ તપાસ કરી હતી. શેરબજાર અને કોમોડીટી બજારમાં મોટું રોકાણ અને ખાસ પ્રકારના સોદાની તપાસ માટે સેબીએ પટેલના સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ કરી છે.
અત્રે નોંધનીય છે કે આ અધિકારીના પિતા પણ ગુજરાત કેડરમાં આઈપીએસ તરીકે જ નિવૃત્ત થયા છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે ગુરૂવારે વહેલી સવારે પાંચ વાગ્યે જ કામગીરી શરુ કરવામાં આવી હતી અને વધુ પૂછપરછ માટે અધિકારીના સાળાને સેબી પોતાની સાથે લઇ ગઈ છે.