Get The App

જામનગરમાં ઋતુજન્ય રોગચાળાનો કહેર, જી.જી.હોસ્પિટલમાં બાળકો માટેનો 50 બેડનો વોર્ડ શરૂ કરાયો

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઋતુજન્ય રોગચાળાનો કહેર, જી.જી.હોસ્પિટલમાં બાળકો માટેનો 50 બેડનો વોર્ડ શરૂ કરાયો 1 - image


Jamnagar G G Hospital : જામનગર શહેર અને જિલ્લામાં મોસમેં મિજાજ બદલ્યો છે, અને પરોઢે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને અનુલક્ષીને જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ગઈકાલે તા.21થી ચાલુ કરવામાં આવ્યો છે.

જામનગરના શહેરી વિસ્તારની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. તેથી 12 યુએચસી હેઠળ આવતા વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમો ડોર-ટુ-ડોર કામગીરી કરી રહી છે.

વિતેલા દિવસોમાં તંત્રને તાવના મળી આવેલા 300થી વધુ કેસોમાં તેઓના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ 106 થી 120 ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેપૈકી રોજ 30-35 દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે.

આ ઉપરાંત બાળકોમાં પણ ઋતુજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ દૈનિક મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.



Google NewsGoogle News