ગુજરાતમાં સિઝનનો સરેરાશ 53 ટકાથી વધુ વરસાદ, સૌથી વધારે કચ્છ ઝોનમાં નોંધાયો
Image : Twitter |
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં 8 ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
Image : Twitter |
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 2024ની 25 જુલાઈના સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 75 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 63 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
VIDEO: મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહાડો પરથી પથ્થર વરસ્યાં, નદીઓ બની ગાંડીતૂર
રાજ્યના કુલ 15 તાલુકામાં 4 ઈંચ નોંધાયો
આ સિવાય ડાંગના સુબીર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ 15 તાલુકામાં 4 ઈંચ અને 21 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 25 જેટલા તાલુકામાં 2 ઈંચથી વધુ અને 47 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, જાણો અન્ય જળાશયોની સ્થિતિ