Get The App

સર્ચ કમિટીએ એમ.એસ.યુનિવર્સિટીના અનુગામી વાઇસ ચાન્સેલર માટે બાયોડેટા મગાવ્યા

જાહેરનામાની શરતોથી સરકાર બારોબાર ઉમેદવારનું પેરાશૂટ લેન્ડિંગ કરાવે તેવી શંકા

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
સર્ચ કમિટીએ એમ.એસ.યુનિવર્સિટીના અનુગામી વાઇસ ચાન્સેલર માટે બાયોડેટા મગાવ્યા 1 - image


વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલરની ટર્મ પૂરી થવાની છે ત્યારે સરકારે અનુગામી વાઇસ ચાન્સેલરની શોધ માટે સર્ચ કમિટીની રચના કરીને તેમાં ત્રણ સભ્યોની નિમણૂંક કરી છે. હવે સર્ચ કમિટી દ્વારા વાઇસ ચાન્સેલર પદ માટે યોગ્ય ઉમેદવારની શોધ શરૃ કરવામા આવી છે અને તે માટે લાયક ઉમેદવારો પાસે બાયોડેટા મગાવવામાં આવ્યા છે. 

પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અથવા તો તેને સમકક્ષ રિસર્ચ-શૈક્ષણિક સંસ્થાનમાં પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે

બાયોડેટા મોકલવા માટે સર્ચ કમિટી દ્વારા તા.૨ જાન્યુઆરી ૨૦૨૫ સુધીની મુદ્દ રાખવામાં આવી છે. શૈક્ષણિક અને વહિવટી ક્ષમતા ધરાવતા હોવા ઉપરાંત યુનિવર્સિટી અથવા તો તેને સમકક્ષ પ્રતિષ્ઠિત રીસર્ચ સંસ્થાન- એકેડમિક એડમિનિસ્ટ્રેટિવ સંસ્થાનોમાં પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ હોવો જરૃરી છે.એ પણ જરૃરી છે કે ઉમેદવાર પીએચડી હોવો જોઇએ અને પોતાની કારકીર્દિ દરમિયાન પોતાની વહિવટી ક્ષમતાઓ અને નેતૃત્વના ગુણ પ્રસ્થાપિત કર્યા હોય. ઉપરાંત દેશ- વિદેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંપર્ક કેળવવાની અને શિક્ષણના પ્રચાર પ્રસારની ક્ષમતા હોવી જરૃરી છે. 

જો કે આ જાહેરાત માત્ર દેખાડા પુરતી હોવાનો યુનિવર્સિટી અને શિક્ષણક્ષેત્રના લોકોનુ માનવુ છે.સરકાર આખરે પોતાની મનમાની કરીને લાયક નહી હોય તેવા ઉમેદવારોને પણ વાઇસ ચાન્સેલરના પદ ઉપર બેસાડી શકે છે. આમ પણ એમ.એસ.યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની નિમણૂંક વિવાદાસ્પદ રહી છે.

સર્ચ કમિટીના સભ્યો

યુજીસી દ્વારા નિયૂક્ત બત્તુ સત્યનારાયણ કર્ણાટકા સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

ગુજરાત સરકાર દ્વારા નિયૂક્ત અનિસ માંકડ નિવૃત્ત સનદી અધિકારી

એમ.એસ.યુનિ. દ્વારા નિયૂક્ત ડો. અતુલ નારાયણ ડિરેક્ટર (સીએસઆઇઆર-એનઇઇઆરઆઇ, નાગપુર)


સરકાર વાઇસ ચાન્સેલર પદે પેરાશૂટ લેન્ડિંગ કરાવશે, સર્ચ કમિટીને લિસ્ટ બહારના ઉમેદવાર પસંદ કરવાની આઝાદી

એમ.એસ.યુનિવર્સિટીના અનુગામી વાઇચ ચાન્સેલરની શોધ સર્ચ કમિટી દ્વારા શરૃ કરવામાં આવી છે તે સાથે વિવાદે પણ જન્મ લીધો છે. 

વાઇસ ચાન્સેલર માટે લાયક ઉમેદવારો પાસેથી બાયોડેટા મગાવવા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ તેમાં એક શરત એવી છે કે બાયોડેટા આવ્યા બાદ ઉમેદવારોનું જે લિસ્ટ બને તે લિસ્ટની બહારના ઉમેદવારને પણ પસંદ કરવાની સત્તા સર્ચ કમિટીને આપવામાં આવી છે. 

શૈક્ષણિક વર્તૂળોનું કહેવુ છે કે આ શરત સરકારની એ મનસા બતાવી રહી છે કે એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કોઇ ઉમેદવારનું પેરાશૂટ લેન્ડિંગ કરાવવામાં આવશે. સરકાર અત્યારથી નામની જાહેરાત એટલા માટે નથી કરતી કે વિવાદ ઉભો થાય બની શકે કે વર્તમાન વાઇસ ચાન્સેલરને પણ રિપીટ કરવા માટે આ શરત મુકવામાં આવી હોય.


Google NewsGoogle News