હિટ એન્ડ રનના આરોપી અને તેના મિત્રોના ઘરે સર્ચ : કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી
વૈભવી જીવન જીવતો રક્ષિત લોકઅપમાં સરકારી ટિફિન ખાઇ રહ્યો છે : પરિવારમાંથી કોઇ મળવા આવ્યું નથી
વડોદરા,કારેલીબાગ હિટ એન્ડ રનની ઘટનામાં પકડાયેલા આરોપી રક્ષિત અને તેના બે મિત્રોના ઘરે પોલીસે સર્ચ કર્યુ હતું. તેમના ઘરેથી મળેલી શંકાસ્પદ વસ્તુઓ પંચનામુ કરી કબજે લઇ તપાસ માટે પોલીસે મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે, વૈભવી શોખ ધરાવતા રક્ષિતને પોલીસ કસ્ટડીમાં સરકારી ટિફિન ખાવું પડી રહ્યું છે. તેના પિતા કે અન્ય પરિવારજનો પણ તેને મળવા આવ્યા નથી.
હોળીની રાતે કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી તરફ જવાના રસ્તા પર પૂરઝડપે કાર હંકારતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકીઓ સહિત ૭ લોકોને ઇજા થતા તેઓ સારવાર હેઠળ છે. આ ગુનામાં પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી રિમાન્ડ લીધા છે. ગુનો થયા પહેલા રક્ષિત અને તેના મિત્રો પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડ ભેગા થયા હતા. તેઓ શા માટે ભેગા થયા હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે સુરેશ, પ્રાંશુ અને રક્ષિતના ઘરે સર્ચ કર્યુ હતું. જેમાં પોલીસને મળેલી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પરિક્ષણ કરવા માટે કબજે લેવામાં આવી છે. પરંતુ, પોલીસ આ અંગે કંઇ જ કહેવા તૈયાર નથી. વધુમાં વૈભવી જીવન શૈલી જીવતા રક્ષિતને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ લોકઅપમાં સરકારી ટિફિન ખાવાનો વારો આવ્યો છે. તેને મળવા માટે તેના પરિવારજનો પણ હજી આવ્યા નથી.
હિટ એન્ડ રનના કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂંક થશે
આરોપીને મહત્તમ સજા થાય તેમજ ઝડપી ચાર્જશીટ ફાઇલ થાય તે માટે સૂચના
વડોદરા,હિટ એન્ડ રનની ઘટનામાં પકડાયેલા આરોપી સામે મજબૂત પુરાવાઓ એકત્રિત કરી ઝડપથી ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ આ કેસ માટે સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂંક માટેની કાર્યવાહી પણ પોલીસે શરૃ કરી છે.
આજે બપોરે ૧૨ વાગ્યે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા હિટ એન્ડ રનની ઘટના સંદર્ભે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, તપાસ અધિકારી, એફ.એસ.એલ., ક્રાઇમ સીન મેનેજર, એસ.ઓ.જી., પીસીબી અને ક્રાઇમ બ્રાંચના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આરોપી વિરૃદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી, આરોપીને મહત્તમ સજા થઇ શકે. આ ઉપરાંત ફોરેન્સિક પુરાવાઓ પણ પૂરતા મળી રહે. તે માટે ફોરેન્સિક ઓફિસરને જણાવવામાં આવ્યું હતું.