Get The App

ભાવનગરનાં સ્ક્રેપના વેપારી સાથે રૂા. 11.99 લાખની છેતરપિંડી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
ભાવનગરનાં સ્ક્રેપના વેપારી સાથે રૂા. 11.99 લાખની છેતરપિંડી 1 - image


- પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સોને ઝડપી લેવા જાળ બિછાવી

- વેપારીએ સ્ક્રેપનાં રૂપિયા મોકલી આપ્યા પરંતુ માલ પહોંચ્યો જ નહીં : ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

ભાવનગર : ભાવનગર શહેરના મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારીએ દ્વારકા પાસે આવેલ મીઠાપુર ગામમાંથી ખરીદ કરેલ સ્ક્રેપ પેટે રૂા. ૧૧.૯૯ લાખ ચૂકવી દીધા હોવા છતાં માલ નહીં મોકલી વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. 

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ક્રેસન્ટ સર્કલ નજીક રહેતા અને મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં આવેલ પ્લોટ નં.સી. ૨૯૦ માં એમ.એસ. એન્ટરપ્રાઇઝ નામથી સ્ક્રેપનું વેચાણ કરતા સાદીકભાઈ બશીરભાઈ ચીરકલી જેવા જ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને મુંબઈમાં ધંધો કરતા અમરનાથભાઈએ મોબાઇલ ફોન દ્વારા દ્વારકા પાસે આવેલ મીઠાપુર ગામમાં સ્ક્રેપનો મોટો જથ્થો હોવાનું જણાવ્યું હતું અને માલ ખરીદવો હોય તો માલ વેચનારનો કોન્ટેક નંબર આપ્યો હતો. સાદીકભાઈએ કોન્ટેક નંબર વાળા આલમ સાથે સ્ક્રેપના વેચાણ અંગે વાત કરી હતી અને રૂા. ૩૧ પ્રતિ કિલોના ભાવે સોદો મંજૂર કર્યો હતો અને માલ પેટે એડવાન્સ રૂા. એક લાખ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. જે આલમએ પરત મોકલાવી બીજા એકાઉન્ટમાં જમા કરવા જણાવતા તેમણે અન્ય એકાઉન્ટમાં રૂ.૫૦,૦૦૦ મોકલ્યા હતા. આ ઉપરાંત, સ્ક્રેપનો માલ ચડાવવા માટે મજૂરી અને પરચુરણ ખર્ચ પેટે રૂ.૨૦,૦૦૦ મોકલ્યા હતા. ત્યારબાદ આલમએ ટ્રાન્સપોર્ટ માટેનો વે-બિલ મોકલી કુલ રૂ.૧૧,૫૯,૫૮૬ રૂપિયાનું બિલ મોકલાવેલ હતું. જે રકમ મળી સાદિકભાઈએ કટકે-કટકે કુલ રૂા. ૧૧,૯૯,૯૧૨ જેવી રકમ ચૂકવી આપી હતી. આમ છતાં, તેમને માલની ડિલિવરી ન મળતા તેમણે આલમને પૂછતા આલમ જણાવ્યું હતું કે, 'કમલના ખાતામાં તમે જે પૈસા જમા કરાવ્યા છે, તે હજુ સુધી મને મળ્યા નથી.' આથી તેમણે કમલ નામના વ્યક્તિને ફોન કરતા તેને જણાવ્યું હતું કે, 'હું આલમ સાથે વાત કરીને તમારા પૈસા તમારા ખાતામાં પાછા મોકલી દઈશ અને તમારી ગાડી અહીંથી રવાના થશે નહીં' તેમ કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પછી આજ દિવસ સુધી સાદીકભાઈને તેમનો માલ કે રકમ પરત ન મળતા તેમણે આલમ મુલ્લા અને કમલ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે બંને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News