હિંમતનગર-વિજાપુર હાઇવે પાસે સ્કોર્પિયો પાંચ પલટી ખાઈ ગઈ, 2 વિદ્યાર્થીના કરૂણ મોત
Accident on Himmatnagar-Vijapur highway : હિંમતનગર-વિજાપુર હાઇવે પર આજે (મંગળવાર) બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર-વિજાપુર હાઇવે પર સતનગર નજીક આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કૂલના 6 જેટલા વિદ્યાર્થીઓ સ્કોર્પિયો ગાડી લઇને જમવા જઇ રહ્યા હતા. પૂરપાટ ઝડપે જઇ રહેલા વિદ્યાર્થીઓએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર વીજપોલ સાથે અથડાઈ હતી અને 4 થી 5 ગુલાટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 12 ધોરણમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મોત ભેટેલા વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા. પોલીસે બંનેની ડેડેબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી. હાલમાં પોલીસ કાર કોણ ચલાવી રહ્યું હતું અને કારમાં કોણ કોણ સવાર હતું તે અંગેની તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.