ટાઈગર રિઝર્વમાં વૈજ્ઞાાનિક ઢબથી કામગીરી જ્યારે ગીરમાં દે ધનાધન
પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ લાયન વચ્ચે ખૂટતી કડીઓ સિંહો માટે મહત્વનો પ્રોજેક્ટ તો અમલમાં આવશે પરંતુ તેમાં એનટીસીએની જેમ કેન્દ્રની મોનિટરીંગ કમિટી વગર બધું અધૂરૂં
જૂનાગઢ, : પ્રોજેક્ટ ટાઈગરની જેમ હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વન્યજીવ તજજ્ઞાો એ બાબત પર ભાર મુકી રહ્યા છે કે પ્રોજેક્ટ ટાઈગરમાં વાઘની જેવી રીતે તકેદારી લેવામાં આવે છે તેવી વ્યવસ્થા પ્રોજેક્ટ લાયનમાં પણ ગોઠવવી જરૂરી હોવા છતાં ખરેખર તેમ થશે કે કેમ એ બાબત જ શંકાસ્પદ જણાય છે. પ્રોજેક્ટ ટાઈગરનું સંપૂર્ણ મેનેજમેન્ટ એનટીસીએ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્રની કમિટી બનાવી તેના પર એનટીસીએની જેમ બારીકાઈથી દેખરેખ રાખવામાં આવે તો જ ખરા અર્થમાં પ્રોજેક્ટ લાયનથી સિંહોને ફાયદો થાય તેમ છે. પ્રોજેક્ટ ટાઈગરની સારી અમલવારીના કારણે વાઘનો મૃત્યુ દર સિંહ કરતા ખૂબ ઓછો હોવાનું પણ રેકર્ડ પર નોંધાયેલું છે.
જ્યારે વાઘ નામશેષ થવાના આરે હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા વર્ષ ૧૯૭૩માં વાઘ માટે ખૂબ મહત્વનો કહી શકાય તેવો પ્રોજેક્ટ ટાઈગર અમલમાં લાવવામાં આવ્યો હતો. જેના કારણે આજે દેશના ૧૮ રાજ્યમાં વાઘ વિહાર કરી રહ્યા છે. વાઘ માટે ધીમે-ધીમે કરીને અત્યાર સુધીમાં પ૭ ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યા છે. ટાઈગર રિઝર્વમાં એનટીસીએના સુપરવિઝન હેઠળ ખુબ મહત્વની કામગીરી થાય છે. જેમાં એમસ્ટ્રાઈપ પેટ્રોલિંગ પધ્ધતિ દ્વારા ટાઈગર રિઝર્વમાં મોનિટરીંગ કરવામાં આવે છે, જે તે વિસ્તારના બિટગાર્ડ તથા ફોરેસ્ટર દ્વારા જીપીએસ સાથે રસ્તા સિવાયના અંતરીયાળ સહિતના ભાગમાં ચાલીને પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેનો તમામ ડેટા દર મહિને ડીસીએફ કચેરીમાં આપવામાં આવે છે. તેના પરથી સાબિત થાય છે કે, ક્યા વિસ્તારમાં કેટલું પેટ્રોલિંગ થયું છે. આવા પેટ્રોલિંગ દરમ્યાન વન્યપ્રાણી જોવા મળે તો તેનો ડેટા, તેના પગના નિશાન, તેના મળના ડેટા, અવાજ સહિતની વિગતોની નોંધ કરવામાં આવે છે. આ પધ્ધતિ ટાઈગર રિઝર્વમાં વર્ષ ર૦૧૦થી અમલમાં છે, જ્યારે ગીરમાં આવી રીતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
ટાઈગર રિઝર્વ માટે જે કંઈ ગ્રાન્ટ આવે તેનું અગાઉથી જ એનટીસીએની દેખરેખ હેઠળ આયોજન થાય ત્યારબાદ તેની સ્થળ પર કામગીરી થાય, કામગીરી દરમ્યાન એનટીસીએ દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવે આ ઉપરાંત મેનેજમેન્ટ ઈફેક્ટીવનેસ ઈવેલ્યુએશન (એમઈઈ) દ્વારા સમયાંતરે દરેક ટાઈગર રિઝર્વમાં એક-એક બાબતનું મોનિટરીંગ કરી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને તે રિપોર્ટના આધારે તેમાં સંરક્ષણ અંગે શું શું ખુટે છે તે જાહેર કરવામાં આવે છે. આ કમિટી દ્વારા હેબીટેટ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ પર ખાસ નજર રાખવામાં આવે છે. હેબીટેટ મેનેજમેન્ટમાં તૃણભક્ષી હરણ, નીલગાય સહિતનાઓને જરૂરિયાત મુજબનો ખોરાક, પાણી, વિસ્તાર મળે છે કે કેમ ? તેનું પણ વૈજ્ઞાાનિક ઢબે નિરીક્ષણ થાય છે. આવી જ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્ર સરકારના સુપરવિઝનવાળી મોનિટરીંગ કમિટી બનાવવી જરૂરી છે. જેમાં પ્રોજેક્ટ ટાઈગરમાં કેવી-કેવી રીતે સંરક્ષણ, સંવર્ધન સહિતની કામગીરી થાય છે તેનો અભ્યાસ કરી પ્રોજેક્ટ લાયનમાં અમલવારી કરવી જોઈએ તેવી સિંહપ્રેમીઓની માંગણી છે.