નમો લક્ષ્મી યોજના, અપાર આઈડી રજિસ્ટ્રેશનની સાથે હવે સ્કૂલોને ખેલ મહાકૂંભમાં રજિસ્ટ્રેશનની જવાબદારી
વડોદરાઃ શહેરની સ્કૂલોના આચાર્યો પહેલેથી જ નમો લક્ષ્મી યોજના માટે ઈ કેવાયસી, વિદ્યાર્થીઓના અપાર આઈડી( ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી)ની કામગીરીના ભારણ હેઠળ છે ત્યારે હવે તેમને આગામી દિવસોમાં યોજનારા ખેલ મહાકૂંભમાં મહત્તમ રજિસ્ટ્રેશન માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે આજે ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોની બેઠક બોલાવીને અપાર આઈડીની કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે ખેલ મહાકૂંભ માટે વિદ્યાર્થીઓના વધારે રજિસ્ટ્રેશન થાય તે માટે પ્રયાસો કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
જોકે સરકાર તરફથી વારંવાર અપાતી કામગીરીઓને લઈને આચાર્યો અને શિક્ષકોમાં કચવાટ છે.એક આચાર્યે કહ્યું હતું કે, નમો લક્ષ્મી યોજનામાં હજી પણ રેશનકાર્ડમાં નામનોના ફેરફારની સમસ્યા ઉભી છે.ઉપરાંત જેમના રજિસ્ટ્રેશન થઈ ગયા છે તેવા વિદ્યાર્થીઓમાંથી જેમની હાજરી ૮૦ ટકા કરતા ઓછી હોય તેમની યાદી દર મહિને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓના ડિજિ લોકરમાં માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટસ કાયમ રહી શકે તે માટેની અપાર આઈડી બનાવવા આધાર કાર્ડ અને બીજી જાણકારીનું રજિસ્ટ્રેશન કરવાનું છે.જોકે આધાર કાર્ડના નામ અને સ્કૂલમાં રજિસ્ટર થયેલા નામોમાં જોવા મળી રહેલા વિસંગતતાઓના કારણે આ કામગીરી માથાના દુખાવા સમાન બની રહી છે.જેના કારણે હજી ૨૦ ટકા જ વિદ્યાર્થીઓના અપાર આઈડી માટે રજિસ્ટ્રેશન થઈ શક્યા છે.
તેવામાં હવે સ્કૂલોએ ખેલ મહાકૂંભમાં મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લે તે જોવાનું રહેશે.આમ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ક્યારે છે તે એક સવાલ ઉભો થયો છે.હવે તો સરકારીની સાથે સાથે ખાનગી સ્કૂલોને પણ આ કામગીરી સોંપવામાં આવી છે અને તેના કારણે આ સ્કૂલોમાં પણ શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.