પરીક્ષા પે ચર્ચા..કાર્યક્રમ માટે શહેરની સ્કૂલોને 100 ટકા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશનનો ટાર્ગેટ
વડોદરાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા..કાર્યક્રમ યોજાશે.જેની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે.હજી કાર્યક્રમ કઈ તારીખે યોજાશે તે જાહેર નથી થયું પરંતુ વડોદરામાં સ્કૂલોને આ કાર્યક્રમ માટે ૧૦૦ ટકા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
શૈક્ષણિક આલમમાંથી મળતી વિગતો પ્રમાણે આ કાર્યક્રમ માટે તાજેતરમાં જ સ્કૂલોને વોટસએપ ગુ્રપમાં ડીઈઓ કચેરીના અધિકારીઓએ રજિસ્ટ્રેશન શરુ કરવાની અને ૧૦૦ ટકા રજિસ્ટ્રેશન થાય તે જોવાની સૂચના આપી છે. દરેક વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાની સાથે સ્કૂલોએ તેનું નામ અને તેના તરફથી એક પ્રશ્ન ડીઈઓ કચેરીને મોકલવાનો રહે છે.આ રીતે આખા દેશમાંથી પૂછાયેલા પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નોની પસંદગી કરાશે અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે.
જોકે એક આચાર્યનું કહેવું હતું કે, હવે તો કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો સ્કૂલોને તેમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે સૂચના આપી દેવાતી હોય છે.રીક્ષા પે ચર્ચા માટે તમામ વિદ્યાર્થીઓના એટલે કે ૧૦૦ ટકા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવું તો શક્ય નથી પરંતુ સ્કૂલોને હવે શક્ય હોય તેટલા વધારે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવા પડશે.
જે દિવસે આ કાર્યક્રમ યોજાશે તે દિવસે તેનું તમામ સ્કૂલોમાં પણ દર વર્ષની જેમ પ્રસારણ કરવાનું રહેશે અને આ કાર્યક્રમ મહત્તમ વિદ્યાર્થીઓ જૂએ તે પ્રકારની વ્યવસ્થા પણ સ્કૂલોએ કરવી પડશે.