વડોદરા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ અને લોકોને ભેળસેળ તેમજ ફૂડ સેફ્ટી અંગે જાગૃત કરાયા
Vadodara Food Safety : ગુજરાત સરકાર દ્વારા હાલ તારીખ 3 થી 17 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી દરમિયાન ફૂડનું ચેકિંગ કરીને નમુના લેવા ઉપરાંત જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ફુડ સેફ્ટી એકટ હેઠળ લાઈસન્સ/૨જીસ્ટ્રેશનના ગરબા સ્થળોએ છ કેમ્પ કરવામાં આવેલ છે, જેમાં 15 લાઈસન્સ તેમજ 112 રજીસ્ટ્રેશન તાત્કાલિક કરી આપવામાં આવેલ છે. 19 જેટલા અવેરનેશ કેમ્પ કરી 2 લાખ લોકોને ફૂડ સેફ્ટી, ખોરાકમાં થતી ભેળસેળ અને નમૂનાની ચકાસણી સંદર્ભે અવેર કરવામાં આવ્યા છે. શાળાઓમાં પણ જઈને વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સંદર્ભે જાણકારી આપવામાં આવી રહી છે.
ફૂડના પેકેટની ખરીદી વખતે ફૂડ બેસ્ટ બીફોર અને યુઝ બાય ડેટની ખાસ તકેદારી રાખવા, ઉત્પાદક કોણ છે, રજીસ્ટ્રેશન નંબર છે કે નહીં, વસ્તુ વેજ કે નોનવેજ છે, વજન બરાબર છે કે નહીં વગેરેની વિગતોથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. ખાસ તો દૂધ, ચીઝ, બટર, ચા, મરચાની ભૂકી, ધાણા પાવડર, કોપરેલ, મધ, ખાંડ, મરી, અનાજ વગેરેમાં ભેળસેળ થઈ છે કે નહીં તેની શુદ્ધતા ચકાસવા માટેના ઘરગથ્થુ ઝડપી ઉપાયો પણ બતાવવામાં આવી રહ્યા છે. જેમ કે ચામાં લોખંડની કણીઓ હોય તો લોહચુંબક ફેરવવાથી કણીઓ ચોંટી જશે. ચળકાટવાળા કાળા મરી હોય તો હાથ પર ઘસતા કેરોસીન જેવી વાસ આવશે. મરચાની ભૂકીમાં ભેળસેળ જેવું લાગે તો પાણીમાં નાખતા લાકડનો વહેર પાણી ઉપર તરવા માંડશે અને પાણી લાલ રંગનું થશે. આવા કેટલાય ઉપાયો બતાવ્યા હતા. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના વેપારીઓ અને ધંધાર્થીઓને ખાદ્ય પદાર્થો બનાવતી વખતે આરોગ્ય લક્ષી કઈ કઈ તકેદારી રાખવી, સ્વચ્છતા જાળવવી વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે.