પાટણમાં શાળાનો આચાર્ય બાળકીઓ સાથે કરતો હતો શારીરિક અડપલાં, ભૂલ સ્વિકારી માફી માંગી
Patan News: રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાવતા કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ગત 19 ઓક્ટોબરે રાજકોટના મોટાવડા ગામે એક વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ અને વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે દાહોદના તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1ની માસુમ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો બીજી તરફ કચ્છમાં એક શિક્ષક પોતાની વિદ્યાર્થીને જ લઇ ભાગી ગયો હતો. હજુ ઘટનાઓની શાહી સૂકાઇ નથી ત્યાં તો પાટણના દુનાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો બનાવી ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અનુસાર પાટણ જિલ્લામાં આવેલી દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. દુનાવાડા શાળાના આચાર્યે એક બે નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે દલિત સમાજની દીકરીઓએ ઘરે જઇને પોતાના પરિવારજનો આ અંગે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ઘટનાને ગંભીરતાથી લેતાં વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ હારીજ પોલીસ મથકે આચાર્ય પ્રવીણ ભલાભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય વિદ્યાર્થીઓના શરીર પર હાથ ફેરવતો હતો અને ગંદી હરકતો કરતો હતો, આ અંગે કોઇને જાણ કરી તો પરીક્ષામાં નાપાસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે આચાર્યએ પોતાની ભૂલ સ્વિકારી માફી માંગી લીધી છે. પરંતુ વાલીઓએ આ લંપટ આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીની આચાર્યએ કરી હતી હત્યા
શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે.
રાજકોટના વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કર્યો આપઘાત
મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ત્રણ શિક્ષકોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શિક્ષિકા મોસમીબહેન, વિભુતિબહેન અને શિક્ષક સચિનભાઈ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલા રડતા-રડતા વીડિયો ઉતારીને આપવીતી જણાવી હતી. આ સાથે તેને આ પગલુ ભરવાને લઈને માતા-પિતાની માફી માગી હતી.