નવસારીમાં દોઢ વર્ષથી આચાર્ય વિના ચાલે છે શાળા, ગ્રામજનોએ કરી તાળાબંધી
Government School Gandevi: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામે છેલ્લા દોઢ આચાર્ય વગર જ પ્રાથમિક શાળા ચાલી રહી છે. શાળામાં કોઈ જ આચાર્ય ન હોવાની ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી હતી. આ અગં કોઈ નિરાકરણ ન આવતાં બાળકોના ભવિષ્યને લઈને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામની પ્રાથમિક કેન્દ્ર શાળામાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જો કે આ શાળા છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય વિના જ કાર્યરત રહી છે,પરંતુ આ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આચાર્યની નિમણુંક કરવા માટે રજૂઆત કરી હતી,પરંતુ આજદિન સુધી તેઓની રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાન પર લેવામાં આવી નહોતી.તેથી ગ્રામજનો રોષે ભરાયા હતા,અને પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: જામનગર જિલ્લામાં ત્રણ અકસ્માત: એક બાળકી સહિત બે ના મોત, એક બાળકી સહિત બેને ઈજા
ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, 'શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે સરકારી તંત્ર ચેડા કરી રહ્યું છે. ત્યારે બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે.'
ગણદેવીના ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા
આ મામલે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, '10-12 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે. ટેક્નિકલ પ્રતિકૂળતાઓના કારણે આચાર્યનું રાજીનામું સ્વીકારવામાં વિલંબ થયો છે, પરંતુ હવે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાતચીત થઈ ગઈ છે. નિમણૂક માટેની પ્રક્રિયા ઝડપી બની રહી છે.'