બાબરાના રાણપુર ગામ નજીક સ્કૂલ બસમાં આગ, 22 બાળકોનો બચાવ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
બાબરાના રાણપુર ગામ નજીક સ્કૂલ બસમાં આગ, 22 બાળકોનો બચાવ 1 - image


ચાલુ બસે આગસૂચક સાયરન વાગતા જ ચાલકે બસને થોભાવી દીધી : બસમાં ગરણી, નડાળા, રાણપુરના ધો. 9- 10ના વિદ્યાર્થીઓ બેઠાં હતા : આગ લાગતા જ બધા ફટાફટ નીચે ઉતરી ગયા બાદ આખી બસમાં આગ પ્રસરી ગઈ

બાબરા, :  આજે સવારના સમયે થોરખાણમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. 9- 10ના વિદ્યાર્થીઓને ગરણી, નડાળા,  તેમજ રાણપુર ગામના 22 વિદ્યાર્થીઓને લઈને આવતી સ્કૂલ બસમાં સાયરન વાગ્યા બાદ આગ ફાટી નીકળતા  અફડાતફડી મચી ગઈ હતી.

બાબરા તાલુકાના થોરખાણ ગામે સર્વોદય સરસ્વતિ મંદિર બાબાપુર ટ્રસ્ટ સંચાલિત જનતા વિદ્યાલયને એક દાતા પરિવારે આઈસર સ્કૂલ બસની ભેટ આપી છે. જેમાં બાળકોનું સ્કૂલ પરિવહન થાય છે. આ બસમાં આજે ગરણી નડાળા અને રાણપુરના 22 વિદ્યાર્થીઓ બેઠા હતા. બસના ચાલક  ભરતભાઈ ગાંડુભાઈ પાડલિયાએ રાણપુરથી વિદ્યાર્થીઓને બેસાડી આગળ વધી રહ્યા હતા. ત્યારે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાતા અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને સાથોસાથ સાયરન વાગતાં જ બસને સાઈડમાં લઈ થોભાવી દીધી હતી.  ચાલકે પળવારનો ય વિલંબ કર્યા વગર બાળકોને ફટાફટ નીચે ઉતારી દીધા હતા.

આ વખતે આગ ભારે ભયાનક બની ચૂકી હતી. પણ બધા બાળકો સલામત થઈને બચી ગયા હતા. બસ ચાલકે સંસ્થા વ્યવસ્થાપકને ફોનથી જાણ કરતા બાબરાથી ફાયર ફાઈટરો રવાના કરી દીધા હતા. આ દરમિયાન બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ચાલકની તકેદારીથી રાજકોટ ગેમઝોન જેવી ઘટના બનતા અટકી ગઈ હતી. આ બનાવ અંગે બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તેમજ વાલીઓ દોડી આવ્યા હતા. સૌએ પોતાના લાડકવાયાઓને જોયા પછી નિરાંતનો દમ લીધો હતો. જો ચાલકે તકેદારી ન રાખી હોત અને બાળકોને નીચે ઉતારી ન લીધા હોત તો રાજકોટ ગેમઝોન જેવી બીજી દૂર્ઘટના સર્જાઈ જતા વાર ન લાગત ! 


Google NewsGoogle News