યુનિવર્સિટીઓ દ્વારા સ્કોલરશીપ કૌભાંડ બાદ સરકાર જાગી, તાલીમ સંસ્થામાં બાયોમેટ્રિક ફરજિયાત કર્યું

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
યુનિવર્સિટીઓ દ્વારા સ્કોલરશીપ કૌભાંડ બાદ સરકાર જાગી, તાલીમ સંસ્થામાં બાયોમેટ્રિક ફરજિયાત કર્યું 1 - image


Scholarship Scam: રાજ્યમાં ગરીબ પરિવારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટ્સ કબજે લઈને યુનિવર્સિટીઓ સ્કોલરશીપના નામે કરોડો રૂપિયા સરકાર પાસેથી કમાઈ રહી છે. આ કૌભાંડ સામે સરકારે લાલ આંખ કરી છે અને આવા કૌભાંડો વધુ ન બને તે માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે તાલીમ સંસ્થામાં બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ મશીન ફરજિયાત કર્યા છે.

અમદાવાદ જિલ્લામાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પોતાની ખાલી પડી રહેલ જગ્યાઓ પૂરી કરવા માટે થઈને ઘરે બેઠેલા દલિત વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાના બહાને એ સ્કોલરશીપ વસૂલ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એજન્ટો દ્વારા સ્કોલરશીપ મળી શકે તેવા વિદ્યાર્થીઓના ઘરે જઈને દસ્તાવેજો લઈને એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓનું સીમ કાર્ડ ખરીદી સાથે એક બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી દેવામાં આવે છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓને કોલેજ ફી ઉપરાંતની અન્ય ફી સાથે લાખો રૂપિયામાં સ્કોલરશીપ વર્ષમાં આપવામાં આવે છે. બે હપ્તા જમા થવાની સાથે એજન્ટો એટીએમ દ્વારા વિદ્યાર્થી પાસેથી પૈસા વસૂલે છે અને વિદ્યાર્થીઓને માત્ર 10,000 રૂપિયા આપે છે. આવા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા બાદ તેમના પોતાના એટીએમ અને સીમ કાર્ડ એજન્ટને આપે છે. 

આ કૌભાંડની જાણ થતા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલે યુનિવર્સીટીઓની તપાસ પણ ચાલુ કરી દેવામાં આવી છે. સ્કોલરશીપ કૌભાંડ બાદ શિક્ષણને લગતી યોજનાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો અનુસૂચિત કલ્યાણ ખાતુ હવે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઓનલાઈન સંસ્થાઓના પ્રમાણપત્ર સાથે તાલીમ સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ માટે હવે તાલીમ સંસ્થાઓમાં બાયોમેટ્રિક હાજરી મશીન લગાવવાનું ફરજિયાત કર્યું છે.


Google NewsGoogle News