ઝાલાવાડમાં અનુ.જાતિના પરિવારોએ લુપ્ત થતી ટાંગલીયા વણાટની હસ્તકળાને જીવંત રાખી
- ડાંગસીયા પરિવારે વર્ષો જુની કળાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અપાવી
- દેદાદરા, વસ્તડી સહિતના ગામોમાં અનેક પરિવારો ટાંગલીયા વણાટના ઉત્પાદનો થકી આર્થિક પગભર બન્યા
- 2009 માં યુનેસ્કો દ્વારા ટાંગલીયા કળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો (સ્લેટ)
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનુ.જાતિના ડાંગસીયા પરિવારોએ લુપ્ત થતી ટાંગલીયા વણાટની હસ્તકળાને જીવંત રાખી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અપાવી છે. દેદાદરા, વસ્તડી સહિતના ગામોમાં અનેક પરિવારો ટાંગલીયા વણાટના ઉત્પાદનો થકી આર્થિક પગભર બન્યા છે. ૨૦૦૯માં યુનેસ્કો દ્વારા ટાંગલીયા કળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો.
વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા અનુ.જાતિના ડાંગસીયા પરિવારો છેલ્લા ૬૦ વર્ષ કરતા પણ વધુ સમયથી ટાંગલીયા વણાટના ડ્રેસ, સાડી, દુપટ્ટા, કુર્તા, બેડસીટ બનાવી લુપ્ત થતી આ કળાનો વારસો સાચી રહ્યાં છે. ગામમાં જ રહેતા મહિલા લીલાબેન રાઠોડે અન્ય કલાપ્રેમી બહેનોને જોડી એક સખી મંડળ પણ બનાવ્યું છે અને વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી સહિતના મોટા શહેરોમાં યોજાતા હસ્તકળા પ્રદર્શન અને મેળામાં ભાગ લઈ પોતાના ઉત્પાદનને આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના અપાવી છે.
હાલ આ પરિવાર દ્વારા વાર્ષિક રૂા.૧૫થી ૧૮ લાખનું વેચાણ કરી સખી મંડળના તમામ બહેનોને આત્મનિર્ભર બનાવી આર્થિક રીતે મદદરૂપ બની રહ્યાં છે. આ સિવાય વઢવાણના વસ્તડી ગામના ડાંગસીયા પરિવારો દ્વારા પણ ટાંગલીયા વણાટ કળાને જીવંત રાખી છે અને ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૦૯માં યુનેસ્કો દ્વારા ટાંગલીયા કળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો જેના દ્વારા આ કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે અને નકલી ઉત્પાદનોથી બચાવવામાં પણ મદદ મળી રહે છે. આ ઉપરાંત જીઆઈ ટેગે ગુણવત્તાનું પ્રમાણપત્ર હોવાથી ગ્રાહકોને પણ અસ્લી ઉત્પાદન અંગેની ખાતરી મળી રહે છે.