સ્કેમર્સ 28થી વધુ પદ્ધતિથી હાલમાં સાયબર ફ્રોડ કરી રહ્યા છે
લોકોને સાવચેત રહેવા વધુ એક વખત અનુરોધ : અજાણી લિન્ક ખોલતા નહીં, અજાણી વ્યક્તિને OTP આપતા નહીં: વધુ પૈસા કમાવાની લાલચમાં કોઈ એપ ડાઉનલોડ કરતા નહીં
રાજકોટ, : દેશભરની પોલીસ માટે હાલ સાયબર ફ્રોડના બનાવો અટકાવવાનો પડકાર સર્જાયો છે. દરરોજ સ્કેમર્સ લાખો-કરોડો રૃપિયાનાં કૌભાંડો આચરે છે. સ્કેમર્સ છાશવારે નવી-નવી પધ્ધતિ અપનાવી ગુના આચરે છે. હાલમાં ર૮થી વધુ પધ્ધિતઓ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઉંચા વળતરની લાલચ આપી અને ઓનલાઈન ટાસ્ક પુરા કરવાની લાલચ આપી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ હાલમાં જે 28 થી વધુ પધ્ધતિથી સાયબર ફ્રોડ કરવામાં આવે છે તેની યાદી જાહેર કરી છે. જેથી લોકો તેનાથી માહિતગાર થઈ ભોગ બનતા અટકે. જેમાં ફેક આઈડેન્ટીટી, ઈન્વેસ્ટમેન્ટ (શેર માર્કેટ ફ્રોડ), ક્રેડિટ કાર્ડ - ડેબીટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપીંગ ફ્રોડ, વીથ અને વિધાઉટ ઓટીપી ફ્રોડ, લોન એપ્લીકેશન ફ્રોડ, લીન્ક દ્વારા ફ્રોડ, બુકીંગ ફ્રોડ, ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને આઈડી બનાવી ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ,ન્યૂડ વીડિયો કોલ ફ્રોડ, પેન્સિલ જોબ ફ્રોડ, ઓએલએકસ ફ્રોડ, કેશબેક ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ગિફટ ફ્રોડ, લોટરી ફ્રોડ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ, એસ્કોટીંગ ફ્રોડ, ઈન્શયોરન્સ પોલીસી ફ્રોડ, ઈલેટ્રિકસિટી બીલ પેમેન્ટ ફ્રોડ, મેટ્રીમોનીયલ ફ્રોડનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક વખત લોકોને અજાણી લીન્ક નહીં ખોલવા ઉપરાંત અજાણી વ્યક્તિને ઓટીપી નહીં આપવાની સાથે શેર બજારમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં કોઈ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરવા અનુરોધ કર્યો છે.