વડોદરામાં પાણીની લાઈનોમાં ભંગાણની જાણકારી મેળવવા લગાવવામાં આવેલી "સ્કાડા સિસ્ટમ" નિષ્ફળ
Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા એક મહિનાથી ભંગાણ હોવાથી શહેરના દાંડિયા બજાર માંજલપુર નવાપુરા માર્કેટ વિસ્તારમાં દિવાળીના તહેવારોમાં પાણીનો કકળાટ સર્જાયો હતો જે અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ રજૂઆતો કરી હતી. જ્યારે પાણીની લાઈનમાં ભંગાણ હોવા અંગેની જાણકારી મળતા કોંગ્રેસ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે પાણીની લાઈનમાં પડતા ભંગાણ શોધી કાઢવા કોર્પોરેશનને કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા સિસ્ટમ લગાવી છે તે નિષ્ફળ નીવડી છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી વર્ષો જૂની ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભંગાણ પડ્યું હતું તેનું સમારકામ આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ભંગાણને કારણે લાખો લીટર પાણી નદીમાં વહી જતું હતું.
વડોદરા શહેરની પ્રજાને વાસદ મહીસાગર નદીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે ફાજલપુર ફ્રેન્ચવેલમાંથી વડોદરા સુધી આવતી પાણીની મુખ્ય લાઈન કેટલીક જગ્યાએ વિશ્વામિત્રી નદીમાંથી પણ પસાર કરવામાં આવી છે ત્યારે પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ પડ્યું હતું જેને કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન પર આવતા કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાણીની લાઈનમાં છેલ્લા એક મહિનાથી પડેલા ભંગાણ અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સૂર્વે એ આક્ષેપ કર્યો હતો કે, દિવાળીના તહેવારોમાં પીવાનું પાણી માત્ર 15 થી 20 મિનિટ મળતું હતું અને તે પણ ખૂબ જ ઓછા પ્રેશરથી મળતું હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોય તો તેની જાણકારી વહેલી તકે મળી રહે તે માટે સ્કાડા સિસ્ટમ લગાડવામાં આવી છે તેમ છતાં વિશ્વામિત્રી નદીમાં જે રીતે છેલ્લા એક મહિનાથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હોય તેની જાણ કોર્પોરેશનને થઈ નહીં જેથી લોકો દિવાળીના તહેવારમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.