સાવરકુંડલા નજીક જંગલના રાજા સામે 2 શ્વાને બાથ ભીડી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Savarkundla Lion Fight : ગીર પંથકમાંથી અવાર સિંહના શિકાર અને સિંહ ગામમાં લટાર મારતા હોય એવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. સોશિયલ મીડિયા પર તમે બેં સિંહો વચ્ચેની લડાઇ કે પછી સિંહોના શિકાર કરતાં વીડિયો ખૂબ જોયા હશે. પરંતુ રવિવારે રાત્રે સાવરકુંડલના થોરડી ગામની ગૌશાળાનો એક વિડીયો વાયરલ થયો છે. માન્યામાં ન આવે પણ આ વીડિયોમાં બે સિંહો અને બે શ્વાન વચ્ચે લડાઇનો છે. બંને વચ્ચે માત્ર એક દરવાજો છે. બે સિંહો ખૂબ જ આક્રમક રીતે 2 શ્વાન પર હુમલો કરે છે, તો બીજી તરફ શ્વાન પણ જાણે સિંહોને કૂતરા સમજતાં હોય એમ તે પણ સામે આક્રમક રીતે જવાબ આપે છે.
સિંહને જંગલો રાજા કહેવામાં આવે છે અને રાજા સામે કોણ પંગો લેવાની હિંમત કરે છે. સિંહની એક ત્રાડથી ભલભલાને પરસેવો છૂટી જતો હતો. પરંતુ સાવરકુંડલા ના થોરડી ગામની ગૌશાળાના એક વીડિયોમાં 2 સિંહોને 2 શ્વાન ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જોકે બંને વચ્ચે એક દરવાજો હોવાથી સિંહ અને શ્વાન બંનેમાંથી કોઇને નુકસાન થયું નથી. પરંતુ બંને વચ્ચેની લડાઇ જોઇ તમે પણ મોંઢામાં આંગળા નાખી દેશો. આ ઘટનાનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલાની એક ગૌશાળામાં 2 સિંહ અને 2 શ્વાન વચ્ચે લડાઇ થઇ. આ જગ્યા ગીર નેશનલ પાર્કથી લગભગ 70 કિલોમીટર દૂર છે. રવિવારે મોડી રાત્રે દરવાજા પાસે લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે બે સિંહ ગૌશાળા તરફ આવે છે, ત્યારે અચાનક તેમનો સામનો દરવાજાની બીજી તરફ ઉભેલા બે શ્વાન સાથે થાય છે. તે એકબીજા ઘૂરે છે.
ત્યારબાદ ચારેય વારાફરતી દરવાજા પર પંજા મારે છે. જોકે આ ઘટનામાં કોઇને નુકસાન પહોંચ્યું નથી કારણ કે બંને વચ્ચે એક લોખંડનો દરવાજો હતો. જે સુરક્ષા કવચનું કામ કરી રહ્યો હતો. ત્યારબાદ બંને સિંહ ઝાડીઓમાં જતા રહે છે. થોડીવાર બાદ એક વ્યક્તિ ગેટની બહાર આવતો જોવા મળે છે. તે જાણવાનો પ્રયાસ કરે છે કે આખરે અહીં શું થયું. પછી તે ટોર્ચની મદદથી ઝાડીઓમાં જુએ છે અને પછી ગૌશાળામાં પરત ફરીને ગેટ બંધ કરી દે છે.