સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
Amreli News : ગુજરાતના અમરેલી જિલ્લામાં વિકાસના રોડ, રસ્તા, પુલ, મોટા ચેક ડેમો, શિક્ષણ સંસ્થાઓ, દવાખાનાઓ સહિતના કામો રેતીના કારણે અટકી પડ્યા હોવા મામલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સાવરકુંડલામાં રેતીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે ધારાસભ્યએ અમરેલી જિલ્લામાં તાત્કાલિક ધોરણે રેતી લીજ અને પરમિટ ફાળવવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લામાં રેતીની અછત અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ જિલ્લામાં રેતીને તંગીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, 'અમરેલી જિલ્લામાં રેતી ન મળવાને કારણે સરકારી કામો અટકી પડ્યા છે. બાંધકામ શેત્રે રોજગાર મેળવનાર ગરીબ મજૂરો રોજગાર વિહોણા બની રહ્યા છે. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોના ઘરોના બાંધકામ પણ રેતી ન મળવાથી અટકી પડ્યા છે.'
આ પણ વાંચો: ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ
ધારાસભ્યએ રજૂઆત કરી હતી કે, 'અમરેલી જિલ્લામાં તાત્કાલિક ધોરણે રેતી લીજ અને પરમિટ ફાળવવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે. જેથી રેતી ચોરી અટકી શકાય. જ્યારે બાંધકામમાં ગુણવત્તા વાળી રેતીના વિકલ્પ તરીકે MSandના ઉપયોગ માટે તંત્ર દ્વારા વિશેષ માર્ગદર્શન તથા આદેશ આપવામાં આવે...'