સિલ્ક ફેબ્રિક માટે જાણીતા કાંચીપુરમમાં સૌરાષ્ટ્રીયનનાં સાડી વણાટનાં વર્કશોપ
ઘરના આગળના ભાગમાં રહેણાંક, પાછળ વણાટકામ ચાલે જામનગરની બાંધણીની માફક મદુરાઈની સુંગડી સાડી સુવિખ્યાત, વનસ્પતિનાં મૂળિયા, પાંદડા, ફળ-ફૂલના સંયોજનમાંથી તૈયાર થતા કુદરતી રંગો
રાજકોટ, : સોરાષ્ટ્ર - તમિલ સંગમ સમારોહમાં સોમનાથ તીર્થક્ષેત્રમાં છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુ સ્થિત સૌરાષ્ટ્રીયન પરીવારો વતન વાટે આવી રહ્યા છે. વર્ષો અગાઉ અહીંથી સ્થળાંતરીત થઈને દક્ષિણ ભારતના જુદા-જુદા શહેરોમાં સ્થાયી થયેલા આ પરીવારની વ્યવસાયિક કુશળતા સોરાષ્ટ્રના પરંપરાગત વ્યવસાય સાથે જાણે વર્ષોથી જોડાયેલી રહી છે. તામિલનાડુમાં સિલ્કની સાડીના વણાટકાકામાં સૌરાષ્ટ્રીયનની વણાટકામની કલા ખુબ પ્રચલિત રહી છે. કાંચીપુરમ લાઈટ સિલ્ક ફેબ્રિક માટે સુવિખ્યાત છે. આ શહેરમાં રસ્તા ઉપર ઠેર-ઠેર સૌરાષ્ટ્રીયનનાં વણાટકામનાં વર્કશોપ જોવા મળે છે. જેમાં ઘરના આગળના ભાગમાં રહેણાંક હોય જ્યો પાછળના ભાગમાં વણાટકામનું વર્કશોપ ચાલતું હોય છે.
સૌરાષ્ટ્ર - તમિલ સંગમ સમારોહ દરમિયાન અનેક પરીવારો તમિલનાડુના જુદા જુદા શહેરોમાંથી સોમનાથ - દ્વારકા - પોરબંદર સહિતના વિસ્તારોમાં આવી પહોંચ્યા છે. ત્યારે તમિલનાડુના મુળ સૌરાષ્ટ્રીયન પરિવારની વણાટકામમાં જે વિશેષતા રહી છે તેના કારણે તામિલનાડુંનું સિલ્ક વણાટનું કામ જગ વિખ્યાત બન્યું છે. વિશ્વભરમાં અહીંની સિલ્ક સાડીઓની ડિમાન્ડ રહ છે. દેશ-વિદેશમાં સિલ્કની સાડીઓ પુરી પાડવામાં સૌરાષ્ટ્રવાસીઓનું નામ આજે પણ અગ્રેસર રહ્યું છે.
સિલ્ક હસ્તકલા સાથે તામિલનાડુના જોડાયેલા સૌરાષ્ટ્રીયન પરીવારોની વિશેષતાઓ વિશે ઉંડો અભ્યાસ કરનારા રાજકોટના ડો.ભાવનાબેન જોશીપુરા દર્શાવે છે કે કાંચીપુરમમાં સિલ્ક હસ્તકલામાં સૌરાષ્ટ્રવાસીઓનું વિશેષ ્રભુત્વ જોવા મળે છે. આ સાડીઓ ખુબ જ ટકાઉ એટલા માટે હોય છે તેને ગ્રેનાઈટના પથ્થર ઉપર પછાડીને ધોવામાં આવે છે. જેથી તે લાંબા સમય સુધી ટકી રહે.
જે પ્રકારે જામનગરની બાંધણી દેશદુનિયામાં જાણીતી છે એ પ્રકારે મદુરાઈમાં ખાસ કરીને સુંગડી સાડી ખુબ જ સુવિખ્યાત ગણાય છે. અહીંની બાંધણી પ્રકારની સાડીની દુનિયાના દેશમાં ખુબ જ મોટી ડિમાન્ડ હોવાથી તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. મદુરાઈમાં અનેક ઘરમાં સુંગડી સાડીના યુનિટ આવેલા છે. આ સુંગડી સાડીનો વેપાર મહિલાઓ જ સંભાળે છે. સૌરાષ્ટ્રની મહિલાઓનું પ્રભુત્વ સુંગડી સાડીના વ્યવસાયમાં વિશેષ જોવા મળે છે.
સૌરાષ્ટ્રવાસી તામિલનાડુ સાડીનાં જે વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા છે તેઓ વનસ્પતિનાં મૂળીયા, પાંદડા, ફળ-ફૂલ, લાખનું સંયોજન, છાલ-બીજ વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને પ્રાકૃતીક રંગો તૈયાર કરે છે. આ રંગોનો ઉપયોગ વણાટકામમાં થાય છે. સૌરાષ્ટ્રવાસીઓ દક્ષિણ ભારતમાં સૈકાઓથી સાડીના વેપાર સાથે સંકળાયેલા રહ્યા છે.