સૌરાષ્ટ્રની ઓળખ કેસર કેરીની સીઝન તાલાલામાં હરાજી સાથે શરૂ
1930માં શોધ, 1934માં નામકરણ, 2011ના GI ટેગ મળ્યો : પ્રથમ દિવસે 14,500 બોક્સની આવક, રૂ।. 650-1500ના ભાવે સોદા : ક્લાઈમેટ ચેન્જથી ઉત્પાદન ગત વર્ષ કરતા ઓછુ થવા અંદાજ
રાજકોટ, : કુદરતી પાકવાથી કેસરિયો રંગ અને મધુર સ્વાદથી દેશ-વિદેશમાં સૌરાષ્ટ્રની ઓળખ બની ગયેલી ગીર પંથકની કેસર કેરીની સીઝનનો આજ તા.૨૬ એપ્રિલથી આરંભ થયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં આજે પરંપરાગત રીતે કેસર કેરીની હરાજીનો આરંભ થયો હતો અને પ્રથમ દિવસે 14,500 બોક્સ (પ્રત્યેક 10 કિલોના) આવક નોંધાઈ છે અને ગત વર્ષ કરતા પ્રતિ બોક્સ રૂ।. 150થી 200 વધુ ભાવ એટલે કે પ્રતિ બોક્સના રૂ।.૬૫૦થી ૧૫૦૦ના ભાવ ખેડૂતોને મળ્યા હતા.
આઝાદીપૂર્વે ઈ.સ. 1930માં આ કેસર કેરી જુનાગઢ ગીર પંથકમાં પ્રકાશમાં આવી હતી,પ્રાપ્ત માહિતી અનુસાર આ પાકેલી કેરી નવાબના હાથમાં તેનો રંગ જોઈને 'આ તો કેસર છે ' તેમ કહેતા લોકોએ આ કેરીનું કેસરકેરી એવું નામકરણ કરી દીધુ ંહતું. આજે વિદેશોમાં પણ એક્સપોર્ટ થતી આ કેરીને ઈ.સ. 2011માં જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન) ટેગ મળ્યો છે અને ગીર કેસર તરીકે આજે આ કેરી વિશ્વવિખ્યાત છે.
ગત વર્ષ કરતા આ કેરીની સીઝનના પ્રથમ દિવસે 5750 બોક્સ સામે આ વર્ષે 14,500 બોક્સની આવક થઈ છે અને સારી ગુણવત્તાની કેરીનું રૂ।. 1350ના ભાવે વેચાણ થયું હતું. પ્રથમ દિવસે તાલાલા પંથક સહિત સૌરાષ્ટ્રના વેપારીઓ ખરીદવા ઉમટયા હતા. યાર્ડના પ્રમુખ સંજય શીંગાળાએ જણાવ્યું કે ગત વર્ષે સીઝનમાં કૂલ 5,96,700 બોક્સ વેચાયા હતા પરંતુ, આ વર્ષે કેરીનો પાક ક્લાઈમેટ ચેન્જની અસરથી ઓછો છે. હજુ સીઝન જામતી જશે તેમ આવક વધતી જશે અને ભાવ આંશિક ઘટશે પરંતુ, ગત વર્ષે સરેરાશ રૂ।.૭૦ની કિલો સામે આ વર્ષે રૂ।.80થી 85ની કિલો લેખે કેસર કેરી વેચાય તેવો અંદાજ છે. તેમણે ઉમેર્યું કે પાકમાં નુક્શાનીના કારણે ઘણા ખેડૂતો આંબા કાપવા લાગ્યા છે અને તે અટકાવવા સરકાર પગલા લે તેવી માંગ છે.
ઉલ્લેખનીય છે કે બજારમાં પકવેલી કેરી વેચાય છે પરંતુ, સ્વાદ અને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત લોકો કેમીકલ વગરની કાચી કેસર કેરી ઘરે કાગળ,ઘાસ વગેરેમાં રાખીને પકવીને ખાતા હોય છે.
તાલાલાની 6 પેઢીએ કેરીના પ્રથમ વેચાણની રકમ ગાયો માટે આપી
તાલાલા : તાલાલા (ગીર)માં કેસર કેરીની સીઝન આજથી શરૂ થતા પ્રથમ દિવસે ભોલેબાબા, ભાગ્યોદય, કિસાન, રામદુત, ભાગ્યલક્ષ્મી, અર્જૂન વગેરે નામની 6 પેઢીઓએ પરંપરાગત રીતે પ્રથમ બોક્સના વેચાણથી રૂ।. 44,311 ની આવક થઈ તે ગૌમાતાને અર્પણ કરવામાં આવી હતી. તાલાલામાં આ સેવાભાવી પરંપરા વર્ષોથી ચાલે છે.