રાજકોટ ઝનાના હોસ્પિ.માં સૌરાષ્ટ્રની સૌપ્રથમ હ્યુમન મિલ્ક બેન્ક કાર્યરત થશે
સિવિલમાં એઈમ્સ કરતા 6થી 7 ગણી OPD, અઢી ગણી બેડની સુવિધા : વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશેઃ અદ્યતન સિટી સ્કાન 24 કલાક ચાલુ રહેશે : રાજકોટ સિવિલ રાજ્યમાં બીજા નંબરની મોટી હોસ્પિટલ
રાજકોટ, : તાજા જન્મેલા બાળક માટે માતાનું દૂધ સૌથી વધુ પોષણકર્તા હોય છે ત્યારે કોઈ બાળકના જન્મતાવેંત માતાનું મૃત્યુ થવા જેવા કિસ્સામાં આવા બાળકને માતાનું દૂધ મળી શકે તે માટે ગુજરાતમાં વડોદરા પછી સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર રાજકોટની નવી ઝનાના હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેન્ક કાર્યરત થશે.
આ અંગે સિવિલ સુપ્રિ. ડો.આર.એચ.ત્રિવેદીએ જણાવ્યું કે તા. 25ના રૂ।. 121 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઝનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ થશે જે માટે સ્ટાફ અને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ પૂરી પડાઈ છે.માતાનું દૂધ આ બેન્કમાં 10થી 15 દિવસ સાચવી શકાશે. આ ઉપરાંત આ હોસ્પિટલ શરૂ થતા તેમાં ઈન્ડોર પેશન્ટ માટે 793 બેડની સુવિધા, ઈમરજન્સી વિભાગ, ટ્રાઈએજ એરિયા, સગર્ભા મહિલાઓ માટે ઓપીડી વ્યવસ્થા, 8 ઓપરેશન થિયેટર, માતાઓ માટે અને બાળકો માટે આઈ.સી.યુ., કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશિયન સેન્ટર , પિડીયાટ્રીક ટ્રેનીંગ સેન્ટર, રેડીયોલોજી, લેબોરેટરી વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત રવિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6.15 કરોડના ખર્ચે 128 સ્લાઈસનું અદ્યતન સિટી સ્કેન સુવિધાનું પણ લોકાર્પણ થશે જેનાથી અકસ્માત જેવા કિસ્સાઓમાં સંપૂર્ણ શરીરનું સ્કેનીંગ, માથાનું સ્કેન ઉપરાંત એન્જીયોગ્રાફી, અદ્યતન ઈમેજિંગ, કાર્ડિયાક એન્જિયોગ્રાફી, કાર્ડિયાક કેલ્શિયમ સ્કોરીંગ, પરફ્યુઝન ઈમેજ, ઈન્ટરવેસન વગેરે વધુ સચોટ રીતે થશે. આ સિટી સ્કાન સેન્ટરને ચોવીસ કલાક ખુલ્લુ રાખવા જ્યારે એમ.આર.આઈ.ને 8થી 8 ખુલ્લુ રાખવા નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ત્રણ સ્થળોને હાર્ટના રોગોની સારવાર માટે વિકસાવવામાં આવી રહ્યા છે તેમાં રાજકોટનો સમાવેશ છે.
રાજકોટની એઈમ્સમાં લાંબા સમય પૂર્વે OPD શરૂ થઈ અને આશરે 500થી 600 ઓપીડી થાય છે તે સામે સિવિલ હોસ્પિટલમાં રોજ 3500થી 4000 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર મળે છે. ઈન્ડોર પેશન્ટ માટે એઈમ્સમાં હાલ 250 બેડ શરૂ થનાર છે અને ભવિષ્યમાં 750 બેડનું આયોજન છે ત્યારે સિવિલમાં હાલ જનાના હોસ્પિટલમાં 793 બેડ સહિત કૂલ આશરે 2000 બેડની સુવિધા ઉપલબ્ધ છે.