Get The App

સૌરાષ્ટ્રની પ્રસિધ્ધ કેસર કેરીની તાલાલામાં હરાજીનો પ્રારંભ થયો

Updated: May 1st, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રની પ્રસિધ્ધ કેસર કેરીની તાલાલામાં હરાજીનો પ્રારંભ થયો 1 - image


શિયાળુ હવામાન બગડતા ઉત્પાદન ઘટીને આશરે 5 લાખ બોક્સનો અંદાજ  : પ્રથમ દિવસે 5760 બોક્સની આવક : 10 કિલો બોક્સના રૂ।. 625થી 1350ના ભાવ : ગત વર્ષે  425નો ભાવ હતો

રાજકોટ, : દેશભરમાં પ્રસિધ્ધ અને વિદેશોમાં જેની ગત વર્ષે 300  ટન નિકાસ થઈ હતી તે સૌરાષ્ટ્રની આગવી ઓળખ એવી તાલાલાની કેસર કેરીની નવી સીઝનનો આજથી આરંભ થયો છે. તાલાલા ગીર યાર્ડના સૂત્રો અનુસાર આજે પ્રથમ દિવસે 5760 બોક્સની આવક થઈ છે. પ્રત્યેક 10 કિલોના આ બોક્સ મહત્તમ રૂ।. 1350 અને ન્યુનત્તમ રૂ।.૬૨૫ના ભાવે હરાજી થઈ હતી. ખેડૂતોને ગત વર્ષે મહત્તમ ભાવ રૂ।.1150 કરતા આ વખતે ઉંચા ભાવ મળ્યા છે. 

શિયાળાની ઋતુ બગડતા તેમજ અનુકૂળ પવન, ઝાકળવર્ષા વગેરેના અભાવથી કેરીના પાકને નુક્શાન થયું છે. આ વિસ્તારમાં અંદાજે 5 લાખ બોક્સ (પાંચ હજાર ટન) કેરીના ઉત્પાદનનો અંદાજ છે જ્યારે ગત વર્ષે હરાજી તા.18-4-2023 -ના શરૂ થઈ હતી અને આ વર્ષે હરાજી 13 દિવસ મોડી શરૂ થઈ છે. ગત વર્ષે કૂલ ૧૧,૧૩,૫૪૦ બોક્સની આવક નોંધાઈ હતી અને ભાવ સરેરાશ રૂ।. 425ના રહ્યા હતા. સીઝન પણ લાંબો સમય ચાલી હતી ત્યારે આ વર્ષે ઓછો સમય સીઝન ચાલે તેવી શક્યતા છે.

તાલાલાથી મળતા અહેવાલ મૂજબ કેસર  કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ આજે પ્રથમ દિવસે જ ઉમટયા હતા. યાર્ડના ચેરમેન સંજય શીંગાળા સહિત હોદ્દેદારોએ નવી સીઝનને વધાવવા પ્રથમ 6 પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કર્યા હતા. પ્રથમ બોક્સ શૂકન તરીકે રૂ।. 1600થીં રૂ।. 13,000 માં વેચાણ થયું હતું. 

કેસર કેરીના ઈતિહાસમાં નજર કરીએ તો ગત 24 વર્ષમાં સૌથી વધુ કેસર કેરીની આવક 14.87 લાખ બોક્સ ઈ.સ. 2010-11 ના વર્ષમાં અને બીજા નંબરે સૌથી વધુ 13 લાખ બોક્સ ઈ.સ.૨2004- 2005 માં નોંધાયા હતા. ગત 7 વર્ષમા સૌથી વધુ આવક ગત વર્ષ ઈ.સ.2023 11,13,540 બોક્સની આવક નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી આવક 4,31,430 બોક્સની ઈ.સ.2001-2002માં નોંધાઈ હતી. 


Google NewsGoogle News