નવી નિમણૂકોના અભાવે સૌરાષ્ટ્ર યુનિ.નું તંત્ર હાલકડોલક, તાળાં મારવાની તૈયારીઓ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
નવી નિમણૂકોના અભાવે સૌરાષ્ટ્ર યુનિ.નું તંત્ર હાલકડોલક, તાળાં મારવાની તૈયારીઓ 1 - image


કુલપતિ, રજિસ્ટ્રાર, એકાઉન્ટ ઓફિસર, ગ્રંથપાલ કે ઇજનેર કોઇ કાયમી નથી : યુનિ. કેમ્પસનાં ભવનોમાં અધ્યાપકોની 68 વહિવટી કર્મચારીઓમાં વર્ગ-3ની 90, વર્ગ-2ની 42 જગ્યા ખાલી; જૂનમાં વધુ જગ્યા ખાલી થશે

રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવતી સૌરાષ્ટ્ર યુનિ.માં છાશવારે સર્જાતા વિવાદ, છબરડા અને ભ્રષ્ટાચારનને કારણે યુનિ.ની સ્થિતિ કથળતી રહી છે. તાજેતરમાં યુવક કોંગ્રેસ દ્વારા યુનિ.માં ટીચીંગ અને નોનટીચીંગ કર્મચારીઓની વિગતો આરટીઆઈ એક્ટ હેઠળ માગવામાં આવતા ંકુલપતિ-રજીસ્ટ્રાર સહિત અનેક જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે ત્યારે યુનિ.ની કંગાળ પરિસ્થિતિનું પોસ્ટમોર્ટમ કરી કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિ. બચાવ અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં કાયમી કુલપતિની નિમણુંકનો પ્રશ્ન લાંબા સમયથી પેન્ડિંગ રહ્યો છે. રાજ્યની અન્ય યુનિ.ઓમાં કુલપતિની નિમણુંક થઇ ગઇ છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.માં કાર્યકારી કુલપતિની નિમણુંક કરી સરકાર ગાડુ ગબડાવે છે. જેના કારણે કાર્યકારી કુલપતિ મહત્વના નિર્ણયો લઇ શકતા નથી. જૂના-નવા કાર્યકારી કુલપતિ એકબીજાને ટારગેટ કરી રાગદ્વેષથી નિર્ણયો લ્યે છે જેના કારણે યુનિ.ની ગરીમા ઝંખવાય છે. સરકારમાં અનેક રજૂઆતો પછી પણ ફાઈલ મુખ્યમંત્રીના ટેબલ ઉપર પડી હોવાનું જણાવી પ્રશ્નનો ઉલાળિયો કરી દેવામાં આવે છે.

(2) સૌરાષ્ટ્ર યુનિ.માં રજીસ્ટ્રાર, ચીફ એકાઉન્ટ ઓફિસર, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી ક્લાસ-1ની મહત્વની ગણાતી જગ્યાઓ ઉપર લાંબા સમયથી કાયમી નિમણુંક થતી નથી. આગામી દિવસોમાં પરીક્ષા નિયામક સહિતની જગ્યાઓ ખાલી થઇ રહી છે. ઉચ્ચ અધિકારીઓની જગ્યા નહીં ભરવાને લીધે યુનિ.નો વહીવટ તમામ સ્થળે કથળતો જાય છે. 

(3) કોઇપણ શૈક્ષણિક સંખ્યામાં બિનશૈક્ષણિક સ્ટાફ વહીવટી રીતે પ ાયાની જરૂરિયાત હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિ.નાં તમામ ભવનો અને વિભાગોમાં વર્ગ-4ની કુલ 58 જગ્યા સામે માત્ર 12 ભરાયેલ છે. 46 જગ્યાઓ ખાલી છે. વર્ગ-3ની કુલ 117 સામે 27 જગ્યા ભરાયેલી છે અને 90 જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ-2ની 31 જગ્યા સામે 18 ભરાયેલ છે. 13  જગ્યાઓ ખાલી છે. કાયમી કર્મચારીઓની નિમણુંક થતી નહીં હોવાને કારણે હંગામી કર્મચારીઓ વહીવટ સંભાળે છે. જેના હંગામી કર્મચારીઓ પૈકી ઘણાં અનધિકૃત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવા છતાં તેની સામે પગલાં લઇ શકાતા નથી. અવારનવાર પરીક્ષા અને પરિણામની કામગીરીમાં છબરડા થાય છે. રાજ્ય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળની મદદ લઇ કાયમી વહીવટી કર્મચારીઓની નિમણુંક કરવી જોઇએ.

(4) સૌરાષ્ટ્ર યુનિ.માં કેમ્પસમાં અલગ-અલગ વિષયોનાં ૨૮ જેટલા ભવનો આવે છે. જેમાં કુલ 155 જેટલા અધ્યાપકોનાં મહેકમ સામે 87 ભરાયેલી છે. ૬૮ જગ્યાઓ ખાલી છે. થોડા વર્ષો પહેલાં અહીંના કેમીસ્ટ્રી, ફિઝીક્સ, બાયોસાયન્સ ભવનનું શિક્ષણ દેશમાં જાણીતું હતું. એડમિશન લેવા માટે પડાપડી થતી હતી. પરંતુ અહીં 44 ટકા જગ્યાઓ ખાલી હોવાથી મોટાભાગનાં ભવનોમાં બેઠકો ખાલી રહે છે. અઢી લાખનો તગડો પગાર લેનારા અધ્યાપકો પીએચડીનાં સંશોધકો અને વિઝિટીંગ લેક્ચરરને કામ સોંપી પોતે યુનિ.માં ડોકાતા જ નથી. એનએફડીડી જેવા ટીચર્સ ભવનોમાં તાળા લાગી ગયા છે. જૂનમાં વધુ કર્મચારીઓની જગ્યા ખાલી પડશે.

આમ, સૌરાષ્ટ્ર યુનિ.ની કથળતી જતી પરિસ્થિતિ માટે રાજ્ય સરકારની ઇચ્છા શક્તિનો અભાવ અને કેમ્પસનું આંતરિક રાજકારણ મુખ્યત્વે જવાબદાર છે. રાજ્ય સરકારે નેક-એડમિશન પોર્ટલ શરૂ કર્યું છે પરંતુ મનપસંદ અભ્યાસક્રમ અને કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ નહીં હોવાથી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન મોટાભાગની કોલેજોમાં કોઇને એડમિશન લેવામાં રસ ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ખાનગી યુનિવર્સિટીઓમાં ફીનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જો આ જ પ્રકારની સ્થિતિ ચાલુ રહી તો 5- 7 વર્ષમાં સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયને કાયમી ધોરણે તાળા મારવાનો વારો આવશે તેમ જણાવી રજૂઆતનાં અંતમાં સૌરાષ્ટ્ર યુનિ. બચાવ અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. 


Google NewsGoogle News