સાત વર્ષ બાદ પ્રથમ પ્રસૂતિ થયા પછી સરથાણાની મહિલાનું મોત
- દીકરીને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઇ પણ હિરલબેન દુધાતે થોડીવારમાં દમ તોડી દેતા ગમગીની
સુરત :
સરથાણામાં મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેની પ્રસુતિ થયા બાદ મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં અભિનંદન રેસીડેન્સીમા રહેતી ૩૪ હિરલબેન ચેતનભાઇ દુધાતને સાડા આઠ માસનો ગર્ભ હતો. જોકે ગઈ તા.૧૬ મીએ તેને પ્રસુતિનો દુઃખાવો થતાં પરિવારના સભ્યો સારવાર માટે સરથાણાની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને પ્રસુતિ થતા નવજાત બાળકીને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી. જોકે તેમને લોહી વધુ વહી જવાથી તેમની હાલત ગંભીર થતા ત્યાંથી વધુ સારવાર માટે હીરાબાગની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે હિરલબેન મૂળ અમરેલીના લાઠી જિલ્લાની વતની હતી. તેના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા અને તેની પ્રથમ પ્રસૃતિ થતા નવજાત બાળકીને જન્મ આપતા પરિવારમાં ખુશી છવાઇ હતી. પણ તેમના મોત થતા પરિવારજનોમાં આભ તુટી પડતા માતમ છવાઇ ગયો હતો. તેના પતિ રત્નકલાકારનું કામ કરે છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.