ગોલ્ડ લોન ભરપાઇ કરી વેચાણની લાલચ આપી સરથાણાના વેપારી સાથે રૂ. 23.50 લાખની છેતરપિંડી
- સોના-ચાંદી ખરીદ-વેચાણ કરતી રોયલ કોર્પોરેટ કન્સલટન્સીના સંચાલકને ધંધાકીય મિત્રએ પરિચય કરાવ્યોઃ લોન માટે આરટીજીએસથી પેમેન્ટ કર્યુ બાદ રફુચક્કર
સુરત, રવિવાર
સરથાણા યોગી ચોકમાં સોના-ચાંદી ખરીદ-વેચાણ કરતી રોયલ કોર્પોરેટ કન્સલટન્સીના સંચાલકને ગોલ્ડ લોન ભરપાઇ કરી ગોલ્ડ વેચાણ કરવાની લાલચ આપી રૂ. 23.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા બાદ ગોલ્ડ વેચાણ નહીં કરી રફુચક્કર થઇ જનાર ઠગ વિરૂધ્ધ સરથાણા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
સરથાણા યોગી ચોક સ્થિત એપલ સ્કેવરમાં રોયલ કોર્પોરેટ કન્સલટન્સી નામે સોના-ચાંદીના દાગીના ખરીદ-વેચાણની સાથે લોન એજન્ટ તરીકેનું કામ કરતા પૃથ્વીરાજ ધર્મેન્દ્ર પાંચાણી (ઉ.વ. 32 રહે. નીલકંઠ હાઇટ્સ, મોટા વરાછા) ના ધંધાકીય મિત્ર બ્રિજેશ કાપડીયાએ કિશન ધરમશી વધાસીયા સાથે ગત ઓક્ટોબરમાં પરિચય કરાવ્યો હતો. કિશને સિટીલાઇટ રોડ સાયન્સ સેન્ટર સામે સી.એસ.બી. બેંકમાં 436.7 ગ્રામ દાગીના ઉપર રૂ. 23.50 લાખની ગોલ્ડ લોન ભરપાઇ કરી ગોલ્ડ વેચાણ કરવાની વાત કરી હતી. પૃથ્વીરાજે પોતાની અક્ષર એન્ટરપ્રાઇઝ નામની ફર્મના બે બેંકના એકાઉન્ટમાંથી રૂ. 23.50 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ બેંકમાંથી ગોલ્ડ છોડાવવા કિશનને લઇને સિટીલાઇટ ખાતે બેંકમાં ગયો હતો. જયાં કિશને ચેક ઘરે ભુલી ગયો છે એમ કહી સમય પસાર કરવા ઉપરાંત ધ્યાન વર્મા નામના વ્યક્તિને બોલાવ્યો હતો. જયાં પૃથ્વી ધ્યાન વર્મા સાથે વાત કરતો હતો ત્યારે તકનો લાભ લઇ કિશન અને ત્યાર બાદ ધ્યાન વર્મા પણ ભાગી ગયો હતો. પૃથ્વીરાજે સ્ટોપ પેમેન્ટ કરાવવાનો પ્રયાસ કરતા કિશને રૂ. 23 લાખ નેહાબેન રૂષિકેશ વર્મા નામના સુરત નેશનલ બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.