ઇકો ઝોનના વિરોધમાં સરપંચથી માંડીને સાંસદ ભાજપ સરકારના વિરોધમાં, હજારો ઇ-મેલ કરવામાં આવશે
Protest Eco Sensitive Zone: તાલાલા પંથક સહિત ત્રણ જીલ્લાના 196 ગામોની પ્રજા અને ખેડૂતો માટે સરકાર દ્વારા ઈકો સેન્સિટીવ ઝોન લગાવવામાં આવી રહ્યો છે. આ કાળો કાયદો રદ્દ કરવા શરૂ થયેલી લોક લડત વધુ મજબૂત કરવા અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચ થી સાંસદ સુધી ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનું સંમેલન તાલાલા માર્કેટીંગ યાર્ડમાં યોજાયું હતું. આ સંમેલનમાં સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠિયા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં આક્રોશિત ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે લોકશાહી લોકો માટે છે, માગ સિંહો માટે નથી. ગ્રામીણ પ્રજા અને ખેડૂતો બધા હિન્દુઓ છે. 70 ટકા મતો ભાજપને આપ્યાં છે. કિસાનોના કાંડા કાપી લેતો ઈકો સેન્સિટીવ ઝોનનો કાળો કાયદો આવતો અટકાવવા ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ સંમેલનમાં પ્રબળ માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં નશા માટે સાયકોએક્ટિવ મેડિસિનનો ધૂમ ઉપયોગ, યુવાથી માંડી વૃદ્ધો બન્યાં બંધાણી
પ્રત્યુતર આપતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2016માં આ વિસ્તાર કોંગ્રેસ બહુમતી વાળો હતો, ત્યારે પણ હું ખેડૂતોની સાથે રહી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆતો કરી હતી. આજે પણ પહેલા ખેડૂત અને પછી પદ.. વધુમાં તેઓએ કહ્યું હતું કે 2016 માં સરકારે ઈકો ઝોનની જે દરખાસ્ત મોકલી હતી તે રદ થયા પછી 2024 માં ફરી જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં અગાઉ કરતાં વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. જાહેરનામું હિન્દીમાં લોકોને સમજાય તેમ નથી. ઇકો સેન્સિટીવ ઝોન માટે આ વિસ્તારનું પ્રતિનિધિ મંડળ બનાવી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆત કરવા ગાંધીનગર જશે તો આ પ્રતિનિધિ મંડળમાં હું પણ સામેલ થઈ ખેડૂતો માટે રજુઆત કરીશ.
જાહેરનામાં સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવા સમય આપ્યો છે. ઈ-મેઈલ દ્વારા હું મારો વાંધો રજૂ કરીશ. તાલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનાકટે જાહેરનામું સંપૂર્ણ રદ કરી સ્થાનિક પ્રજા તથા ખેડૂતો સાથે પરામર્શ કર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરી હતી. માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે ગીર અમારું ગૌરવ છે, સિંહ અમારી શાન છે. પ્રજા અને ખેડૂતો સિંહોનું વધુ રખોયું કરે છે. છતાં પણ સિંહોના નામે ઈકો ઝોનનો કાયદો લાવવા ખેડૂતો માટે હળાહળ અન્યાયકારક છે.
આ પણ વાંચો: તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો
હજારો ઈ-મેઈલથી વિરોધ કરવામાં આવશે
તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા એ જણાવ્યું હતું હતું કે ઈકો ઝોન લગાવવા માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામાં સામે ઈમેઈલ દ્વારા વાંધા રજૂ કરવા સમય મર્યાદામાં ઠેરઠેરથી ઈ-મેલ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થાય માટે ઈ-મેઈલ ડે ઉજવાશે. આ માટે ભારતીય કિસાન સંઘના કાર્યકરો ગામડે ગામડે જશે, હજારોની સંખ્યામાં ઈકો ઝોન રદ કરવાની માંગણી સાથે ઇ-મેઇલ કરાવશે. આ માટે આયોજન કરવામાં આવ્યું છે.