પાછોતરા વરસાદથી પારાવાર નુકસાન: 34 ગામના સરપંચોની માગ, 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે'
Bagsara Taluka Sarpanch At Mamlatdar Office : રાજ્યમાં પાછોતરા વરસાદે અનેક જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થતાં બગસરા તાલુકાના 34 ગામના સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને સંબોધીને બગસરા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય પૂરી પાડવા સરકાર સમક્ષ માગ કરી છે.
34 ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
ગઈ કાલે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારેથી હળવા વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. બગસરા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ખેડૂતોનો પાક તો બરબાદ થયો સાથે જ પશુઓને ખવડાવાનો ચારો પણ ખરાબ થઈ ગયો. જેને લઈને બગસરા તાલુકા સરપંચ ઍસોસિયેશન દ્વારા 34 ગામના સરપંચો સહિત ખેડૂતો એકઠા થઈને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ઠરાવ અંતર્ગત મામલતદારને આવેદનપત્ર આપ્યું અને સાત દિવસમાં કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓ પાસેથી પાક નુકસાનીનો રિપોર્ટ મંગાવીને સહાય કરવામાં આવે તેવી માગ કરી.
ખેડૂતોના 90 ટકા પાકને નુકસાન
સરપંચ તરીકે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બગસરાના ગામોમાં ગઈ કાલે (19 ઑક્ટોબર) આશરે 5થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાથી પાક પાણીમાં તણાઈ ગયો છે. આ સાથે ઊભા પાકોમાં પણ 90 ટકાથી વધુ નુકસાન થયું. જેથી ખેડૂતોએ માગ કરી છે કે, સરકાર દ્વારા તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરીને ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવે.
મેઘકહેર થતાં, ખેડૂતોની ચિંતા વધી
આવેદનપત્રમાં દાવો કરાયો છે કે, ચોમાસાની સિઝન દરમિયાન અમેરલીના બગસરા તાલુકામાં કુલ 1200 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોના ખેતપાકો પર મેઘકહેર થતાં, ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, યુરિયા અને મજૂરો માટે કરેલો ખર્ચ પણ એળે ગયો છે. જો સરકાર વહેલીતકે નુકસાન સહાય નહીં ચૂકવે તો કદાચ આ ખેડૂતો આગામી સિઝનનો પાક લઈ શકશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ છે.