ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરાયા
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં 3,00,400 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,46,857 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
સરદાર સરોવર ડેમના 9 દરવાજા 2.10 મીટર ખોલાયા
ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે તથા ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડાતા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત વધી રહી છે. આજે (12મી ઑગસ્ટ) તંત્રએ સરદાર સરોવર ડેમના નવ દરવાજા 2.10 મીટર ખોલીને પાણી છોડ્યું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરનો ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા જોવાઈ રહી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના કારણે તથા ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર ડેમ આજે 90 ટકા ભરાઈ ગયો છે. જે ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે. જેથી સમગ્ર રાજ્યમાં પાણીની તંગીમાં નર્મદા ડેમનો સંગ્રહ ખૂબ મદદરૂપ થશે.
ગુજરાતના 49 જળાશયો સંપૂર્ણ ભરાયા
ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 13 જળાશયો 90થી 100 ટકા ભરાતા તે હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 40 ડેમ 70થી 100 ટકા ભરાતા ઍલર્ટ અપાયું છે. 20 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 41 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37 ટકા, સૌરાષ્ટ્રના 141માં 53.17 ટકા, કચ્છના 20 જળાશયોમાં 51.48 ટકા, મધ્ય ગુજરાતના 17માં 50.48 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.65 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જની ગુજરાતમાં માઠી અસર, વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ મેઘ મહેર થવા લાગી
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં પણી છોડવામાં આવ્યું છે. આ દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓ ઍલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.