ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા, અનેક ગામોમાં એલર્ટ
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. જેને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે
વડોદરા, ભરૂચ અને નર્મદા એમ ત્રણ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. શનિવારે (10મી ઑગસ્ટ) સાંજે 6 કલાકે ડેમની સપાટી 133,61 મીટરે સ્પર્શી હતી. ડેમની મહત્તમ સપાટી 138 .68 મીટર છે. ઉપરવાસમાંથી 4,19,139 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા ડેમમાં 3929 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ જાહેર
નર્મદા ડેમ 82 ટકા ભરાતા રિવરબેડ પાવર હાઉસમાંથી 44,002 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9.953 ક્યુસેક પાણી છોડાય છે. નર્મદા ડેમમાંથી કુલ 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મડા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.