સરદાર પટેલે સાગર જળ હથેળીમાં લઈને સોમનાથ મંદિર નિર્માણની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી
Sardar patel and Somnath Temple news | સોમનાથ મંદીર નિર્માણના ઈતિહાસમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. જો સરદારે સોમનાથ મંદિરના પુનરોદ્ધારનું બીડું ન ઝડપ્યું હોત તો કદાચ આ મંદિરની આજે જે ભવ્યતા છે એ ન પણ હોત...સરદાર પટેલે સોમનાથ મંદિરની 13 નવેમ્બર 1947ના દિવસે નૂતન વર્ષ પર્વે મુલાકાત લીધી હતી ત્યારે મંદિરની અવદશા જોઈને ભારે દ્રવિત અને વિચલિત થઈ ગયા હતા અને અહી જ નૂતન મંદિરનાં નિર્માણની પ્રતિજ્ઞાા લીધી હતી. એ વખતે તેમના પ્રધાનમંડળના સાથી કાકાસાહેબ કાલેલકર, ગાડગીલ, નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહજી સાથે રહ્યા હતા.
સરદાર પટેલના સમયકાળમાં જૂનાગઢ નવાબે ગાદી છોડીને પાકિસ્તાન ભાગવું પડયું હતુ. જો નવાબની મહેચ્છા મુજબ જુનાગઢ રાજ્ય પાકિસ્તાનનો એક ભાગ બની ગયું હોત તો આજે સોમનાથ મહાદેવની યાત્રાએ જવા માટે પાક.સરકારનો વીઝા લેવો પડે એવી હાલત હોત..જો સરદાર પટેલે મંદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો ન હોત તો આજે મંદિરની કદાચ આટલી ભવ્યતા ન હોત..! સરદાર પટેલ સોમનાથ ગયેલા ત્યારે વિક્રમ સંવત 2004ની સાલનું બેસતું વર્ષ હતુુ.
એમણે સોમનાથ મંદિરનો અગાઉનો ઈતિહાસ ખુબજ જાણેલો હતો. પ્રભાસક્ષેત્રનું મહત્વ ખુબજ સમજ્યા હતા. અહી સોલંકી રાજાઓએ અને અન્ય શાસકોએ કાળક્રમે જે જે યોગદાન આપેલા તેમજ સોમનાથ મંદિર પર ચડાઈ વખતે હમીરજી ગોહિલ સહિતના જેણે જેણે બલિદાન આપેલા એ વાતથી ખુબજ વાકેફ હતા. સોમનાથ મહિમા ગાન આચાર્ય હેમચંદ્રાચાર્યજી, એ ઉપરાંત ભગવદગોમંડળ, પાટણની પ્રભુતા, જય સોમનાથ જેવી નવલકથાઓમાં આલેખાયા છે એવા સોમનાથ મહાદેવ શિવાલયની હાલત અતિદયનીય જોઈને સરદાર પટેલ સીધા દરિયાકિનારે પહોંચ્યા હતા. દરિયાનાં જળને હાથમાં લઈ સોમનાથ મંદિરના નવનિર્માણની દ્રઢ પ્રતિજ્ઞાા લીધી હતી. એ પછી રાજવીઓ અને જનતાએ દાન પ્રવાહ વહાવી નૂતન મંદિર બનાવી સોમનાથના ઈતિહાસને ફરી બેઠો કર્યો છે.
આ સ્થળની મુલાકાત ક.મા.મુનશીએ લીધી ત્યારે સભા મંડપમાં તુટલી ફરસો, ખંડિત સ્તંભો અને વેરવિખેર પથ્થરો જોઈને ઉલ્લેખ કર્યો છે કે આવી સ્થિતિ જોઈને મેં શરમ અનુભવી હતી. સભામંડપ એક સમયે વેદગાન અને શૌર્યથી પ્રકિર્તિત થતો હતો. ત્યાં મારા અપરિચિત પગલાઓનો અવાજ સાંભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ડોકાઈને પાછી સંતાઈ જતી હતી. કોઈક અધિકારીએ ત્યાં બાંધેલો ઘોડો મારા આગમનને સાંભળી માથું ધુણાવતો હણહણી ઉઠયો અને મેં શરમ અનુભવી હતી.