નડિયાદના સંતરામ મંદિરમાં 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરનો વરસાદ, મંદિર પરિસર ૐના ઉચ્ચારણથી ગુંજ્યુ
Nadiad News : નડિયાદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરના પ્રસાદનો વરસાદ થયો. આ દરમિયાન શ્રધ્ધાળુઓ 'જય મહારાજ'ના નાદ સાથે પ્રસાદને ઝીલતા જોવા મળ્યા. આ પ્રસંગે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જ્યારે મંદિરમાં જ્વલંત દિવ્ય જ્યોત સમક્ષ શ્રધ્ધાળુઓ નતમસ્તક થવા ઉમટી પડ્યા હતા.
500 કિલો કોપરું અને 3000 કિલો સાકરના પ્રસાદ
નડિયાદના સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે મહાસુદ પૂનમની ઉજવણીમાં સાંજે 6:50 વાગ્યે 20 મિનિટ માટે 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરના પ્રસાદનો વરસાદ કરાયો. આ દિવ્ય ઉજવણીના ભાગ રૂપે ૐના પરંપરાગત ઉચ્ચારણ સાથે આકર્ષક સાકર વર્ષા કરાઈ. મંદિરમાં હાજર શ્રધ્ધાળુઓ કહ્યું કે, 'અખંડ જ્યોતમાં જ અમારે આસ્થા છે, જય મહારાજ બધાની પ્રાર્થના સાંભળે અને સંભાળે'. આ સાથે બપોરના સમયે તડકામાં પણ લોકો 'જય મહારાજ'ની ધૂન કરી અને દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક કરતાં જોવા મળ્યા હતા.
વિશાળ ભીડ અને ઉત્સાહ
મહાસુદ પૂનમે બપોરથી જ મંત્રમુગ્ધ કરનારી ભીડ જોવા મળી હતી. સાંજના 6:48 વાગ્યે વર્ષમાં એક વખત જ થતી આરતીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અખંડ જ્યોત સમક્ષ 9 મહંતોના જયનાદ બાદ ત્રણ વખત ૐના પરંપરાગત ઉચ્ચારણ સાથે સાકરનો વરસાદ કરાયો. એક-એક કણ પ્રેમથી ભેગા કરીને મંદિરમાં ભક્તોએ આ પાવન પ્રસાદ ગ્રહણ કર્યો.
આ કાર્યક્રમના અંતે મંદિર પરિસરમાં સ્વયંસેવકો દ્વારા ઠેરઠેર નાના સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને ભક્તો આનંદપૂર્વક આ પ્રસાદ ઝીલતા જોવા મળ્યા હતા. 2 કલાક સુધી મંદિર પરિસરના અલૌકિક માહોલમાં શ્રધ્ધાનો અદભૂત નજારો જોવા મળ્યો.