સંત કબીર સ્કૂલ વધારે ફી ભરાવવા એલસી નહીં આપતી હોવાની ડીઈઓમાં રજૂઆત
વડોદરાઃ શહેરના વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કૂલના સંચાલકોએ ફી બાકી હોવાનું કારણ આપીને વિદ્યાર્થીઓના એલસી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનો આક્ષેપ કરનારા કેટલાક વાલીઓ આજે ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યા હતા.
તેમણે ડીઈઓ સમક્ષ કરેલી રજૂઆતમાં કહ્યું હતું કે, તા.૧૯ એપ્રિલના રોજ સ્કૂલ સંચાલકોએ ફોન કરીને અમને બોલાવ્યાહ તા.અમે વિદ્યાર્થીઓની એલસી લેવા માટે ગયા હતા.તે વખતે ફી બાકી હોવાનું કહેવામાં આવ્યું હતું અને ફી બાકી હોય ત્યાં સુધી એલસી આપવાનો ઈનકાર કરી દીધો હતો.હકીકતમાં સંચાલકો એફઆરસી કરતા વધારે ફી લઈ રહ્યા છે અને સ્કૂલના નોટિસ બોર્ડ પર એફઆરસીનો ફીનો ઓર્ડર પણ મૂક્યો નથી.વાલીઓએ આ મુદ્દે આજે પોલીસમાં પણ અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.વાલીઓએ કહ્યું હતું કે, સંચાલકો લૂંટ ચલાવી રહ્યા છે.
બીજી તરફ શાળા સંચાલકોએ કહ્યું હતું કે, હાઈકોર્ટ અને એફઆરસીના નિર્ણય પ્રમાણે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની વધારાની ફી પાછી અપાઈ રહી છે અને જેમની ફી બાકી હોય તેમની રિકવરી કરાઈ રહી છે.જે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા માગતા હોય તેમના વાલીઓને અમે વિગતવાર જાણકારી આપીને બાકી ફી ભરવા માટેની જાણકારી આપી હતી.હાઈકોર્ટના એપ્રિલ, ૨૦૨૪ના હુકમ પ્રમાણે સ્કૂલ ટર્મ ફી અને એડમિશન ફી લઈ રહી છે.સ્કૂલે ક્યારે પણ કાયદા વિરુધ્ધ ફી ઉઘરાવી નથી.