Get The App

કલ્યાણપુરના સણોસરી ગામે ખેતીકામના મજુરો મોકલવાનું કહી 26 હજારની ઠગાઈ

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
કલ્યાણપુરના સણોસરી ગામે ખેતીકામના મજુરો મોકલવાનું કહી 26 હજારની ઠગાઈ 1 - image


- ખેતીકામ માટે સૌરાષ્ટ્રમાં મેન પાવરની તીવ્ર અછતનો લાભ લઈ

- આઠ ચોપડી પાસ ભેજાબાજ પાસેથી 9 એટીએમ, બે સીમકાર્ડ કબજે કર્યા, પોલીસે ધરપકડ કરી

જામખંભાળિયા: સૌરાષ્ટ્રના કૃષિક્ષેત્રમાં બારે'ય માસ મેન પાવરની જરૂરત રહે છે આમ છતાં વાવેતર વિસ્તારને અનુરૂપ મજૂરોની સંખ્યા ઉપલબ્ધ થતી નથી આ અછતનો ગેરલાભ લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારમાં રહેતા એક ખેડૂતને ગત ડિસેમ્બર માસમાં એક આસામીએ ફોન કરીને તેમને ખેતીકામ માટે મજૂર મોકલવાનું કહીને રૂપિયા ૨૬,૮૭૦ની રકમ ઓનલાઈન પડાવી લઈ મજુરો ન મોકલી અને છેતરપિંડી આર્ચયાનો બનાવ અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. 

પંચમહાલના ચાંદપુર ગામના શખ્સે ઓનલાઈન નાણા મેળવી મજુરો જ ન મોકલ્યા, અનેકને ભોગ બનાવ્યાનું ખૂલ્યું

સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોસસના આધારે દાહોદના લીમખેડા વિસ્તારમાંથી પંચમહાલ જિલ્લાના ચાંદપુર વિસ્તારમાં રહેતા અને વણાટકામ કરતા પુષ્પેન્દ્રકુમાર પ્રકાશભાઈ પટેલ નામના ૨૭ વર્ષના શખ્સને દબોચી લઈ, ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન જાહેર થયેલી વિગત મુજબ આઠ ધોરણ સુધી ભણેલો પુષ્પેન્દ્રકુમાર પટેલ છેલ્લા એક વર્ષથી જુદા જુદા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી અને ખેતીકામ તેમજ કડિયા કામ માટે મજૂરો મોકલવાનું કહીને જે-તે આસામીઓને વિશ્વાસ અપાવવા માટે મજૂર તથા બસ કંડક્ટરની ખોટી ઓળખ આપી, મજૂરોના બસની ટિકિટનો ચાર્જ, જમવાનો ખર્ચ વિગેરે નામે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. ત્યાર બાદ આ સ્થળે મજૂરો નહીં મોકલી અને આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.

આ રીતે ઉપરોક્ત શખ્સએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી હતી. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના નવ એટીએમ કાર્ડ, બે સીમકાર્ડ તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે કોઈપણ વ્યક્તિને અજાણ્યા નંબર પરથી મજૂરો મોકલવા માટેનો ફોન આવે તો આવા વ્યક્તિઓ પર ભરોસો કરવો નહીં અને એડવાન્સમાં કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર ન કરવા તથા સાવચેતી કેળવવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags :