ભાજપ લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવીને પણ સન્માન આપી શક્યા હોત : સંજય રાઉત
સંજય રાઉતે અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર સરકાર પર અનેક સવાલો ઉઠવ્યા
Sanjay Raut on Advani getting honor : શિવસેના (ઊદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, 'જેમની પાસે વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ બનવાનો અધિકાર હતો એવા અડવાણીને એવી જગ્યાએ મૂકી દીધા જ્યાં બધા ભૂલી ગયા, ભાજપ પણ તેમને ભૂલી ગયા હતા.'
સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે 'જ્યારે તક મળી હતી ત્યારે તેમને(અડવાણી) બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા અને હવે ભાજપ અડવાણીને ભારત રત્ન આપી રહ્યા છે. હું આ નિર્ણયને આવકારું છું, તેઓ તેના હકદાર છે, તેમણે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેઓ (ભાજપ) લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવીને તેમનું સન્માન કરી શક્યા હોત પરંતુ ભાજપે તેમ ન કર્યું.'
'અડવાણીએ મંદિર માટે મોટી લડાઈ લડી છે' : દીપક કેસરકર
બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર, મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના (શિંદે જૂથ)ના નેતા દીપક કેસરકરે કહ્યું, 'અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. અડવાણીએ મંદિર માટે ઘણી મોટી લડાઈ લડી હતી, મંદિર માત્ર એક પ્રતીક હતું, ભારતની પરંપરાને જાળવવા માટે તેમણે પૂરા ભારતમાં એક અભિયાન ચલાવ્યું હતું. દેશના ગૃહમંત્રી તરીકે પણ અડવાણીએ ઉત્તમ કામ કર્યું હતું.'