મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર
બપોરે ઘટના બાદ નદી કાંઠા પર સન્નાટો ઃ નદીની બહાર નાવડીઓ મૂકી દેવાઇ
વડોદરા, તા.8 સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં બેરોકટોક રેતી ખનન ચાલી રહ્યું છે. રેતી માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આજે બપોરે એક યુવાન ડૂબી ગયા બાદ રેતી માફિયાઓ રેતી ખનન માટેનો સામાન લઇને ફરાર થઇ ગયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના નટવરનગર ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં હાલ ઓછું પાણી હોવાથી શાકભાજી સહિતનો પાક નદીમાં થઇ રહ્યો છે. આ પાકની નજીકમાં જ રેતી માફિયાઓ દ્વારા બેરોકટોક રેતીખનન ચાલી રહ્યું છે. યાંત્રિક બોટ લાવીને નદીમાંથી રેતી ઉલેચીને ડમ્પરોમાં ભરીને બહાર લઇ જવામાં આવે છે.
રેતીખનનના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે. દરમિયાન આજે બપોરે એક યુવાન રેતી માફિયાઓના પાપે બનેલા એક ખાડામાં ડૂબ્યો હતો. જો કે આ વાત બહાર ફેલાય તે પહેલાં જ બોટ લઇને એક શખ્સ પહોંચી ગયો હતો અને યુવાનને બહાર કાઢી એક કારમાં તેને લઇ ગયા હતાં. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે રેતીખનન બંધ થઇ ગયું હતું. રેતી માફિયાઓએ પોતાના સાધનો નદીમાંથી બહાર કાઢીને મૂકી દીધા હતાં.
આ યુવાન કોણ હતો તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ પંથકમાં થતી હતી. આ અંગે સ્થાનિક પોલીસ ચોપડે કોઇ નોધ થઇ નથી. ઉલ્લેખનીય છે કે મહી નદીમાં ચાલતા રેતીખનન અંગે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર જાણ કરવામાં આવે છે પરંતુ તંત્ર પણ રેતી માફિયાઓ સાથે મિલીભગત ધરાવતું હોય તેવા આક્ષેપો થાય છે અને કોઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરાતી નથી.