હવે કચ્છ અને ઉનામાં પણ જોવા મળશે સિંહ, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી
Lion Safari: ગુજરાતનું ગૌરવ ગણાતાં અને સમગ્ર એશિયામાં માત્ર સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં જોવા મળતાં સિંહને હવે અન્ય વિસ્તારમાં પણ વસાવાઈ રહ્યા છે અને ધીમે ધીમે તેમની વસ્તી વધી રહી છે. ઉનાળામાં ગીરનું જંગલ નાનું પડતું હોવાથી સિંહો રાજકોટ, ગોંડલ સુધી ધસી આવે છે, ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક નલિયા માંડવી વિસ્તારમાં લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દ્વારા મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક સાકાર થશે
કચ્છના ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ ઑફિસર સંદીપકુમારે જણાવ્યું કે, નારાયણ સરોવર પાસે આશરે 300 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે અને તેનો હેતુ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે બ્રીડીંગ સેન્ટર ડેવલપ કરવા માટેનો પણ છે. લાયન સફારી સાકાર થયા બાદ સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ મંજૂરી મેળવીને ત્યાં વિહરતા જોઈ શકાશે. જ્યારે ઉના એ ગીર જંગલને અડીને આવેલો વિસ્તાર છે અને ત્યાં પણ લાયન સફારી બનશે. હાલ જૂનાગઢના દેવળીયા વિસ્તારમાં લાયન સફારી ધમધમે છે અને તેમાં દિનપ્રતિદિન ભીડ વધતી જાય છે. આ પહેલા રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવ કાંઠે રમણીય વિસ્તારમાં આવેલા ઝૂને અડીને ખુલ્લી જમીનમાં લાયન સફારી બનાવવા ઝૂ ઑથોરિટીએ અગાઉથી મહાપાલિકાને મંજૂરી આપેલી છે. બાદમાં ત્યાં ફેન્સીંગ વોલ સહિતના કામો મંજૂર કરાયા છે અને હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
હાલ ઝૂમાં કૂલ 12 સિંહો છે
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પછી રાજકોટમાં પણ સિંહોનું ઉછેર કેન્દ્ર (બ્રીડીંગ સેન્ટર) છે અને આજ સુધીમાં 50થી વધુ સિંહોનો જન્મ અહીં થયો છે, હાલ ઝૂમાં કૂલ 12 સિંહ છે. રાજકોટમાં ભવિષ્યમાં શરુ થનારા લાયન સફારીમાં સિંહોને શિકાર કરતાં નહીં જોઈ શકાય પરંતુ, મુલાકાતીઓ વાહનમાં બેસીને ખુલ્લા વિસ્તારમાં તેમને વિહરતા જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે ગીરનું જંગલ સિંહ, દિપડા સહિતના પ્રાણીઓને હવે નાનું પડી રહ્યું છે અને તેથી ખાસ કરીને ઉનાળામાં સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ ગોંડલ, રાજકોટ, ધોરાજીથી માંડીને છેક ચોટીલા સુધી આવી પહોંચતા હોય છે.