Get The App

ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા 1 - image

Surat News: સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ખેડૂતની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકવાનો કૌભાંડ સામે આવ્યો છે. જેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સરવે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. જ્યારે એક બ્રોકર તેમની જુદી-જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. બ્રોકરના આવ્યા બાદ, ખેડૂતે તપાસ કરી તો તેમના તમામ સરવે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા. આ અંગે ખેડૂતે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા CID ક્રાઇમમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે સીઆઈડી ક્રાઇમે શુક્રવારે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રેવન્યુ રેકોર્ડ ચેક કરતાં થયો ખુલાસો

CID ક્રાઇમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.402 માં રહેતા 47 વર્ષીય આઝાદભાઈ રામોલીયા, હાંસોટ ખાતે ઈગનશ પ્રા.લી નામની કંપની ધરાવે છે અને ખેતીકામ પણ કરે છે. સુરતના ડુમસના બ્લોક નં. 815, 801/2, 803, 804, 823, 787/2 અને વાટાના બ્લોક નં. 61 વાળી જમીન અઝાદભાઈએ મગદલ્લાના ખેડૂત રસીકભાઈ લલ્લુભાઈ પાસેથી 28 ઓક્ટોબર, 2016 થી 15 જુલાઈ, 2017 દરમિયાન ખરીદી હતી. હાલ તમામ જમીનો તેમના અને તેમની પત્ની જ્યોત્સનાબેનના નામે છે. માર્ચ 2022 માં બ્રોકર જીગ્નેશભાઈ બ્લોક નં.803 નું પ્રોપર્ટીકાર્ડ લઈ તેમની પાસે આવ્યા હતા અને જમીન વેચવાની છે તેમ કહેતા તે ચોંકી ગયા હતા. પોતાની માલિકીની જમીનનો પ્રોપર્ટીકાર્ડ હોય તે અંગે અઝાદભાઈએ રેવન્યુ રેકોર્ડની ઓનલાઈન વેબસાઈટ ઉપર ચેક કર્યું તો તેમના તમામ સરવે નંબરની જમીનમાં અલગ અલગ વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટીકાર્ડ બનેલા હતા.

ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા 2 - image

લેખિત અરજીથી ન્યાય ન મળતાં CID ની લીધી મદદ

આથી ખેડૂતે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં જુદા-જુદા સ્તરે લેખિત અરજી કરી રજૂઆત કરી હતી. જોકે, તેમને ક્યાંય ન્યાય મળ્યો નહોતો. આથી તેમણે 24 જૂન 2024 ના રોજ CID ક્રાઇમમાં અરજી કરતા ત્યાંથી તપાસ કરતા ખુલાસો થયો કે, આઝાદભાઈ કે તેમના પરિવારજનોએ ક્યારેય પ્રોપર્ટીકાર્ડ મેળવવા અરજી કરી નહોતી છતાં તેમની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટીકાર્ડ બન્યા છે. તે બનાવવા માટે જરૂરી પ્રક્રિયા નહીં કરી સુરત સીટી સરવે સુપ્રિટેન્ટન્ડની કચેરીના અધિકારીઓએ તે બનાવ્યા હતા. એટલું જ નહીં તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવી સાયલન્ટ ઝોન નામની પ્લોટીંગ સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી નહોતી. છતાં તેના બેન્ક એકાઉન્ટમાં પ્લોટોના વેચાણના પૈસા જમા થયા હતા.

આઝાદભાઈની સરવે નં. 823 વાળી જમીન નવી શરતની હોવા છતાં તેનું સરકારમાં જરૂરી પ્રિમીયમ નહીં ભરી સરકાર સાથે પણ છેતરપિંડી કરનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ પ્રોપર્ટીકાર્ડમાં જે જુદા-જુદા હુકમો દર્શાવ્યા હતા તે પણ જે તે કચેરીના નહોતા. ઉપરાંત, સુરત મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો ન હોતો. આ તમામ હકીકતોના આધારે CID ક્રાઇમ, સુરત ઝોને ગતરોજ સુરત સીટી સરવે સુપ્રિટેન્ડન્ટના તત્કાલીન અધિકારી કાનાલાલ ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, સમૃદ્ધિ કોર્પોરેશનના તમામ ભાગીદારો અને તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો અંગેનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ ડિટેક્ટીવ પીઆઈ પી. બી. સંઘાણી કરી રહ્યા છે.

8 લોકો સામે નોંધાવી ફરિયાદ

ખેડૂતે CID ક્રાઇમમાં કરેલી અરજીમાં અરજીમાં આરોપીઓ તરીકે સમૃદ્ધિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો નરેશ શાહ, તેમના પત્ની મીનાબેન, મનહરભાઈ મુળજીભાઈ કાકડીયા, લોકનાથભાઈ ગંભીર, જયપ્રકાશ આસવાની ઉપરાંત સમૃદ્ધિ કોર્પોરેશનમાં નોકરી કરતા હિતેશકુમાર દેસાઈ અને સીટી સર્વેયર ઓફિસર કાનાલાલ ગામીતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, CID ક્રાઇમે છ મહિનાની તપાસ બાદ અરજીના આધારે ગુનો નોંધ્યો હતો, જેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ ગાયબ છે.

ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા 3 - image

351 જેટલા બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવ્યા

CID ક્રાઇમની તપાસમાં મળેલા પુરાવાઓના આધારે જાણવા મળ્યું હતું કે, સમૃદ્ધિ કોર્પોરેશને મૂકેલી સાયલન્ટ ઝોનની સ્કીમ ગેરકાયદેસર છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ સરકારી અધિકારીઓ સાથે મળી આઝાદભાઈની જમીનમાં આશરે 135 જેટલા અલગ-અલગ ક્ષેત્રફળ મુજબ અલગ-અલગ નામથી પ્રોપર્ટીકાર્ડ તો બનાવ્યા છે. પરંતુ, તેમણે ડુમસ, વાટા અને ગવીયર ગામના અન્ય ખેડૂતોની જમીનોમાં પણ 351 જેટલા બોગસ પ્રોપર્ટીકાર્ડ પણ બનાવ્યા છે.

નોંધનીય છે કે,બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાની જાણ થતા આઝાદભાઈ રામોલીયાએ માર્ચ 2023 માં સુરતના પોલીસ કમિશનર અને 23 જુલાઈ 2023 ના રોજ ઈકો સેલમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જોકે, સ્થાનિક પોલીસે તેમાં કોઈ કાર્યવાહી કરી નહોતી અને 2 ઓગષ્ટ 2023 ના રોજ તેમની અરજી દફ્તરે કરી દીધી હતી. પણ તે જ દિવસે ઈકો સેલે સમૃદ્ધિ કોર્પોરેશનના વૃદ્ધ ભાગીદાર રસીકભાઈ પટેલની ફરિયાદના આધારે આઝાદભાઈ અને તેમના પરિવારે ડુમસ, ગવિયર અને વાંટા ગામની નવ જમીનના દસ્તાવેજો કરાવી લીધા હોવાનો ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News