કેમિકલ ગેસ દુર્ઘટના કાંડમાં મુંબઈની હાઈકેલ કંપનીના MD સમીર હિરેમઠની ધરપકડ
સચિન GIDCમાં 6 નિર્દોષનો ભોગ લેવાયો હતો : આગોતરા જામીન સાથે હાજર થતા જામીનમુક્તિ
નિવેદન નોંધાવવા હાજર થયા નહોતા, ક્રાઈમ બ્રાન્ચે લુકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી હતી
- સચિન GIDCમાં 6 નિર્દોષનો ભોગ લેવાયો હતો : આગોતરા જામીન સાથે હાજર થતા જામીનમુક્તિ
- નિવેદન નોંધાવવા હાજર થયા નહોતા, ક્રાઈમ બ્રાન્ચે લુકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી હતી
સુરત, : સચિન જીઆઈડીસીની ખાડીમાં મુંબઈની હાઈકેલ સહિત ચાર કંપનીએ કેમિકલ છોડતા ઉદભવેલા ગેસથી 6 નિર્દોષના મોત નીપજવાની ઘટનામાં હાઈકેલ કંપનીના એમ.ડી સમીર હિરેમઠ આગોતરા જામીન સાથે હાજર થતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ જામીન મુક્ત કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચિન જીઆઈડીસીની ખાડીમાં મુંબઈની હાઈકેલ સહિત ચાર કંપનીએ કેમિકલ છોડતા ઉદભવેલા ગેસથી 6 નિર્દોષના મોતના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કંપનીના સંચાલકોનું નિવેદન નોંધવા મુંબઈ પહોંચી હતી. જોકે, એમ.ડી અને અન્યો ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નહોતા. ક્રાઈમ બ્રાન્ચે કંપનીની નરીમાન પોઈન્ટ સ્થિત ઓફિસ અને બેલાપુરની ઓફિસમાં તપાસ હાથ ધરી કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે તમામના નિવેદન નોંધવા માટે તેમની શોધખોળ કરી હતી.પણ તેઓ ભૂગર્ભમાં ઉતરી જતા તેમને તપાસમાં નિવેદન નોંધાવવા નોટીસ બજવી હતી.તેમ છતાં કોઈ સંચાલક ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો નહોતો.આથી સુરત પોલીસે તેમની ધરપકડ માટે સીઆરપીસી 70 મુજબનું વોરન્ટ ઈશ્યુ કરાવી તેમને ભાગેડુ જાહેર કરવા કાર્યવાહી શરૂ કરી હતી.
દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમની તપાસ માટે ફરી મુંબઈ પહોંચી હતી અને તેમની તપાસ કરી હતી છતાં કોઈ મળ્યું નહોતું.આથી સુરત પોલીસ દ્વારા હાઈકેલ કંપનીના એમ.ડી સમીર હિરેમઠ ભારત છોડી વિદેશ ફરાર નહીં થાય તે માટે સુરત પોલીસે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઇસ્યુ કરાવી હતી.દરમિયાન, એમ.ડી. સમીર જય હીરેમઠ ( ઉ.વ.50, રહે.292, જ્યુપીટર એપાર્ટમેન્ટ, કફ પરેડ, મુંબઇ, મહારાષ્ટ્ર ) ગતરોજ આગોતરા જામીન સાથે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થતા ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કર્યા બાદ જામીનમુક્ત કર્યા હતા.વધુ તપાસ પીઆઈ એસ.એન.પરમાર કરી રહ્યા છે.