રાણાવાવ, કુતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીએ મેળવ્યો કબજો
ભાજપે ધારાસભ્ય, સાંસદને પ્રચારમાં ઉતાર્યા છતાં ન ફાવ્યો
રાણાવાવમાંથી ૨૮ બેઠકોમાંથી ૨૦ સ.પા.ને, ૮ ભાજપનેઃ કુતિયાણામાં ભાજપનાં ઢેલીબેનનાં ૩૦ વર્ષનાં શાસનનો અંત, ૨૪માંથી ૧૪ બેઠક સ.પા.ને જીતી, ભાજપને ૧૦
રાણાવાવ નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજાનું શાસન હતુ અને તેનું પુનરાવર્તન થયુ હોય તેમ આ વર્ષે સમાજવાદી પાર્ટી તરફથી કાંધલ જાડેજાએ તેમના ઉમેદવારોને ભાજપ સામે મેદાને ઉતાર્યા હતા અને રાણાવાવની ૨૮ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીએ કબ્જો મેળવી લીધો છે જ્યારે ભાજપના ફાળે માત્ર આઠ બેઠક આવી હતી.
કુતિયાણા નગરપાલિકામાં ૩૦-૩૦ વર્ષથી ઢેલીબેન ઓડેદરાનું શાસન હતુ છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહી થતુ હોવાની ફરિયાદો વચ્ચે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતરેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા પ્રેરિત તેમના નાનાભાઇ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી છે અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ૨૪માંથી ૧૪ બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે તથા ભાજપના ફાળે ૧૦ બેઠક ગઇ છે. કાના જાડેજા પ્રમુખ બને તેવી શકયતા છે.
પોરબંદરમાં સરપંચથી માંડીને સાંસદ સુધી ભાજપનું શાસન હોવા છતાં રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકામાં ભાજપને કારમી હાર ખમવી પડી છે ત્યારે મહત્વની બાબત એ છે કે પોરબંદરના સાંસદ એવા કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભરપૂર પ્રચાર કર્યો હોવા છતાં રાણાવાવ અને કુતિયાણા બંને પાલિકામાં ભાજપે હારનો સામનો કરવો પડયો છે.