સુરતમાં ચંદની પડવા માટે ઘારી સાથે ફરસાણના વેચાણમાં ઉછાળો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
સુરતમાં ચંદની પડવા માટે ઘારી સાથે ફરસાણના વેચાણમાં ઉછાળો 1 - image


સુરતમાં વિવિધ ફ્લેવર્ડની ધારી સાથે અસલ સુરતી ફરસાણ ભુસાની બોલબાલા

સુરતીઓ ઘારી સાથે સુરતી સમોસા, પેટીસ અને વિવિધ પ્રકારના ભજીયાની પણ ડિમાન્ડ જોવા મળી, સુરતીઓ ઘારી અને ફરસાણ સાથે ઉજાણી કરવા થનગની રહ્યા છે

સુરત, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

આજે સુરતમાં ચંદની પડવાની ઉજવણીમાં  ઘારીની સાથે સાથે ફરસાણની દુકાનો પર ભુસુના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર અસલ સુરતી ભુસુ ની ખરીદી માટે લોકોએ લાઈન લગાવી હતી. આ ઉપરાંત ઘારીની સાથે સુરતી દાળ વાળા સમોસા અને નારિયેળ-લસણવાળી પેટીસ જેવા ફરસાણનું વેચાણ પણ ધુમ થયું છે. સુરતીઓનો પોતીકો તહેવાર ચંદની પડવો અને રવિવાર ભેગા થતાં સુરતીઓના વીક એન્ડની ઉજવણી દમદાર બની ગઈ હતી. 

સુરતમાં ચંદની પડવા માટે ઘારી સાથે ફરસાણના વેચાણમાં ઉછાળો 2 - image

આજે ચંદની પડવો અને રવિવાર બે ભેગા થતાં સુરતીઓ તહેવારનો બેવડો  આનંદ ઉઠાવી રહ્યા છે. ગઈ કાલે અને આજે મીઠાઈની દુકાનોમાં ધારી વીઆઈપી બની હતી તેવી જ રીતે આજે સુરતની ફરસાણની દુકાનમાં અસલ સુરતી ફરસાણ ભુસુ ની બોલબાલા જોવા મળી હતી. આજે રવિવારની સવાર સુરતીઓની ખમણ અને ફાફડા સાથે પડી હતી પરંતુ ચંદની પડવાનો તહેવાર હોવાથી સુરતીઓની સાંજ ધારી અને ભુસુ, પેટીસ તથા સમોસા સાથે થઈ હતી. 

સુરતમાં ચંદની પડવા માટે ઘારી સાથે ફરસાણના વેચાણમાં ઉછાળો 3 - image

સુરતમાં ચંદની પડવો હોય એટલે મીઠી રસ ઝરતી ધારી સાથે સાથે  અસલ સુરતી તીખુ ભુસાનું કોમ્બીનેશન કરીને પડવાની ઉજવણી કરે છે. જેના કારણે સુરતમાં ફરસાણની દુકાનોમાં બે દિવસ પહેલાં જ ભુસા નો સ્ટોક કરી દેવામાં આવે છે.  જેવી રીતે ઘારીની વિવિધ ફ્લેવર્ડ સુરતમાં જોવા મળે છે તેવી જ રીતે સુરતમાં વિવિધ પ્રકારના ફેન્સી ચેવડાનું પણ વેચાણ થઈ રહ્યું છે. એક ડઝન જેટલી ફ્લેવર્ડ માં ચેવડાનું વેચાણ થતું હોવા છતાં અસલ સુરતી ભુસુ ( તીખા- મોરા ગાંઠિયા., પાપડી, તીખી- મીઠી બુંદી, પાપડી અને ચેવડા જેવા ફરસાણનું મિક્ષણ) નું પણ ધુમ વેચાણ થાય છે. લોકો પોતાના ટેસ્ટ નું ભુસુ મળતું હોય તે જગ્યાએ ખરીદી કરવા માટે પહોંચી જાય છે તેના કારણે સુરતમાં ભુસા નું ધૂમ વેચાણ થાય છે. 

આ ઉપરાંત ઘારી અને ભુસા સાથે અસલ સુરતી સમોસા ( ચણા દાળ- કાંદા, ફુદીનો અને મસાલો) તથા પેટીસ સહિતની વાનગીઓનું પણ ધૂમ વેચાણ થાય છે. આ દિવસે લોકો તળેલા કે હાફ ફ્રાય ફરસાણ લઈને ધારી સાથે તેને આરોગીને ચંદની પડવાની ઉજવણી ઉત્સાહથી કરે છે. સુરતીઓ તહેવાર સાથે ખાણી પીણીને જોડી દેતા હોય આવા તહેવારોમાં સુરતમાં ખાણીપીણીની દુકાનો માટે સારો એવો ધંધો થાય છે.


Google NewsGoogle News