Get The App

સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા

સાળંગપુરમાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને નમન કરતા દર્શાવાયા

મંદિર પ્રશાસન દ્વારા ભીંતચિત્રો પર પીળા રંગનું પોસ્ટર ઢાંકી દેવાયું હતું

Updated: Aug 30th, 2023


Google NewsGoogle News
સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા 1 - image

ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીના અપમાનના આરોપ બદલ ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે. વિવાદ છે કે, સાળંગપુર ધામમાં થોડા સમય અગાઉ જ સ્થાપિત કરાયેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા, જેનું નામ 'કિંગ ઓફ સાળંગપુર' છે. આ વિશાળ અને વિશ્વ વિખ્યાત હનુમાનજીની પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જે હનુમાનજીનું અપમાન હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. આ પ્રતિમાના ઉદ્ધાટન બાદ હવે કેટલાક દર્શનાર્થીઓનું ધ્યાન ગયું અને ફોટો-વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો છે. 

શા માટે થયો વિવાદ?

હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં નજરે પડી રહ્યા છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નિલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠેલા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે બે હાથ જોડીને નિલકંઠવર્ણીને નમસ્કાર કરતા હોય તેવું દર્શાવાયું છે. આ ચિત્રો પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કરાયો છે. ભક્તોની લાગણી દુભાઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે. આ પ્રકારના ભીંતચિત્રો બનાવવા પાછળનો શું ઉદ્દેશ્ય છે તેવા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા 2 - image

પીળા પોસ્ટર પોસ્ટરથી ભૂલ ઢાંકવાનો પ્રયાસ

આ મામલો સામે આવતા જ ભક્તો, સનાતન પ્રેમીઓ, સાધુ-સંતો, હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. ફેસબુક, યૂટ્યૂબ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો રોષે ભરાયા છે. રાજભા ગઢવી, મોરારી બાપુ સહિતના કલાકારો અને કથાકારોએ પણ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. જેને લઇને વિવાદ વકરતા ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરાયો છે. મંદિર પ્રશાસન દ્વારા તાત્કાલિક ભીંતચિત્રો પર પીળા રંગનું પોસ્ટર ઢાંકી દેવાયું હતું.

સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા 3 - image

મંદિરના સ્વામીઓ સામે ફરિયાદની માગ

હનુમાન દાદા સ્વામીનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિએ સિહોર પોલીસમાં અરજી કરી છે. મંદિરના સ્વામીઓ સામે ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા અરજીની સાથે 33 દસ્તવેજી પુરવા સાથે અરજી કરવામા આવી છે. હાલ વિવાદાસ્પદ પ્લેટ પર પડદો લગાવી દેવામાં આવ્યો છે.

સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા 4 - image

બજરંગ દળે મંદિરના કોઠારી સાથે કરી મુલાકાત

હવે આ મામલે સાધુ સંતોની બેઠક યોજાઈ શકે છે. તો બીજી તરફ બજરંગ દળના અધ્યક્ષ સાળંગપુર કષ્ટભંજન મંદિરના કોઠારી વિવેક સાગરને મળ્યા હતા અને વહેલી તકે આ ભીંતચીત્રોને દૂર કરવા માંગ કરી છે.

સાળંગપુર ધામમાં નવો વિવાદઃ 'કિંગ ઓફ સાળંગપુર'ની નીચેના ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણને પ્રણામ કરતા દર્શાવાયા, લોકો ગુસ્સે ભરાયા 5 - image

લોકોએ જાગૃત થવાની જરુર : મોરારી બાપુ

સાળંગપુર ધામમાં હનુમાન દાદાના અપમાન મામલે કથાકાર મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો.

સ્વામીઓ પાસે શું પૂરાવા છેઃ હર્ષદ ભારતી બાપુ

આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતો પર પ્રહાર કર્યા છે. મહંત હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે કયા શાસ્ત્રનું પ્રમાણ છે. આ સિવાય તેમણે સંત સમાજને મેદાને ઉતરવાની અપીલ કરી છે. 

હનુમાન દાદાનું અપમાન રાક્ષસ જ કરેઃ કબરાઉ ધામના બાપુ

કબરાઉધામના બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. મણિધર બાપુએ ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે. 



Google NewsGoogle News