સાંઇ કન્સલ્ટન્સીના પિતા - પુત્રને ત્રણ વર્ષની સખત કેદની સજા
ફરિયાદી તથા અન્ય પાસેથી લીધેલા રૃપિયા ૨૮.૫૦ લાખ વળતર પેટે બે મહિનામાં ચૂકવવાનો હુકમ
વડોદરા,નિઝામપુરા વિસ્તારમાં સાંઇ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ખોલી વિદેશવાંચ્છુઓ સાથે છેતરપિંડી કરનાર પિતા - પુત્ર સામેના કેસનો ૧ વર્ષ અને ૧૦ દિવસમાં ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંનેને કસુરવાર ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદનો હુકમ કર્યો છે. પિતા - પુત્ર સામે અન્ય પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે.
માંજલપુર વિસ્તારમાં નિર્મળપાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ ગોવિંદભાઇ પરમારે સમા ચાણક્યપુરી પાસે ઉમિયાનગર-૨માં રહેતા રાજેન્દ્ર મનહર શાહ અને તેના પુત્ર રીન્કેશ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે કેનેડા જવાનું હોવાથી કોઇ એજન્સીને હું શોધતો હતો ત્યારે નિઝામપુરા સાંઇ કન્સલ્ટન્સીનો રેફરન્સ મને મળતાં મેં ઓનલાઇન તેનો નંબર સર્ચ કરી મોબાઇલ નંબર પરથી પૂછપરછ કરતાં સામેથી રાજેન્દ્ર શાહે જણાવેલ કે કેનેડા ખાતે વિઝિટ ટુ વર્ક પરમિટ વિઝા માટે ૧૨ લાખનો ખર્ચ થશે અને તે માટે મારી ઓફિસે આવવું પડશે તેમ કહ્યું હતું.
બાદમાં હું મારા ભાઇ સાથે ઓફિસે ગયો હતો અને એડવાન્સમાં રૃા.૬ લાખ આપવા પડશે જ્યારે બાકીની રકમ કેનેડા પહોંચ્યા બાદ તબક્કાવાર આપજો તેમ કહેતાં રૃા.૬ લાખ ચેક અને ઓનલાઇન દ્વારા ચૂકવી તેમણે માંગેલા દસ્તાવેજો આપ્યા હતાં. ત્રણ મહિનામાં વિઝા આવી જશે તેવો વાયદો આપ્યો હતો તેમ છતાં વિઝા આવ્યા ન હતા અને બાદમાં ખબર પડી કે પિતા અને પુત્ર બંને સાંઇ કન્સલ્ટન્સીને તાળાં મારી ફરાર થઇ ગયા છે.આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ દવેએ રજૂઆત કરી હતી કે, આવા કેસમાં ઓછી સજા કરવામાં આવશે તો આરોપીઓ ફરીથી આવા ગુના કરશે. સમાજમાં આવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધ્યું હોઇ સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવી જોઇએ. બંને પક્ષની રજૂઆતો સાંભળી એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ આર.આર.મિસ્ત્રીએ આરોપી રાજેન્દ્ર મનહરલાલ શાહ તથા તેના પુત્ર રિન્કેશ (બંને રહે. ઉમિયા નગર, ચાણક્યપુરી, સમા)ને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા કરી છે. તેમજ ફરિયાદી તથા અન્ય લોકો પાસેથી લીધેલા કુલ ૨૮.૫૦ લાખ રૃપિયા બે મહિનામાં વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી વળતર ના ચૂકવે તો વધુ ૬ મહિનાની કેદનો હુકમ કર્યો છે.