Get The App

જૂનાગઢ રવાડીમાં પરંપરા તૂટી,ગૃહમંત્રીનો કાફલો જૂતાં પહેરી ટહેલતા સાધુઓએ પિત્તો ગુમાવ્યો

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
જૂનાગઢ રવાડીમાં પરંપરા તૂટી,ગૃહમંત્રીનો કાફલો જૂતાં પહેરી ટહેલતા સાધુઓએ પિત્તો ગુમાવ્યો 1 - image


Mahashivratri Mela In Junagadh: જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનું અનેરૂ મહત્ત્વ છે. લાખોની સંખ્યામાં ભાવિકો સાધુ-સંતોના તથા ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. ત્યારે આ મેળાને પણ હવે કુંભમેળાની જેમ ધીમે-ધીમે વીઆઈપી કલ્ચરની અસર થઈ રહી છે. આ વખતે મેળાના અંતિમ દિવસે (26મી ફેબ્રુઆરી) ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. તે અહીંના અખાડાઓ તથા સાધુઓની મુલાકાતે નીકળ્યા. ત્યારે તેમના કાફલામાં રવાડીના રૂટ પર અધિકારીઓ અને રાજકીય લોકો બૂટ-ચપ્પલ પહેરી આંટા મારતા હોવાથી સાધુઓનો પિત્તો ગયો હતો. સાધુઓ ગૃહરાજ્ય મંત્રીના કાફલા પાછળ દોડતાં થોડીવાર માટે તો રીતસરની દોડધામ થઈ ગઈ હતી.

'મંત્રી હોય કે કોઈપણ હોય- અમારી પરંપરાનો ભંગ ન થવો જોઈએ'

ભવનાથ તળેટીમાં યોજાતા શિવરાત્રિના મેળા માટેની જગ્યા દિવસે-દિવસે ઘટતી જાય છે તેવામાં અંતિમ દિવસે જ સરકારના મંત્રીઓ આવતા હોવાથી તેમના પ્રોટોકોલ માટે લાખો ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવવાના હોવાથી તંત્રના અધિકારીઓ દ્વારા ભક્તોને બેરીકેડ લગાવી તેની અંદર બેસાડી દેવામાં આવ્યા હતા. મંત્રી એક બાદ એક સાધુઓની મુલાકાતે ચાલીને જઈ રહ્યા હતા. દત્ત ચોકમાંથી શેરનાથ બાપુના આશ્રમ તરફ જતા હતા ત્યારે બેરીકેડની પાછળ જે ભાવિકો બેઠા હતા તેમને ઊભા કરી ત્યાંથી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.ત્યાંથી પરત આવતા ફરીવાર ભાવિકોને ઊભા કરી રસ્તો કરાવવો પડ્યો હતો. મંત્રીના કાફલામાં 100થી 150 લોકો જોડાયા હતા. 

આ પણ વાંચો: નેપાળમાં 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં


રવાડીના રૂટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પાણીથી રસ્તાની સફાઈ કરી નાખ્યા બાદ કેટલાય લોકો બૂટ- ચપ્પલ પહેરી રવાડીના રૂટ પર આંટાફેરા મારતા હતા, તેવા લોકોને સાધુઓએ ધોકાવ્યા હતા. નાગા સાધુઓની માંગણી હતી કે, રવાડીના રૂટ પર બૂટ-ચપ્પલ પહેરીને નહીં નીકળવાનું, પરંતુ જવાબદાર જનપ્રતિનિધિ એવા મંત્રીનો કાફલો જ બૂટ-ચપ્પલ પહેરી એક આશ્રમથી બીજા આશ્રમ જવા દોડધામ કરતો હતો. તેવામાં અમુક નાગા સાધુઓનો પિત્તો જતા તેઓ લાકડી લઈ મંત્રીના કાફલા પાછળ દોડતા થોડીવાર માટે દોડધામ થઈ ગઈ હતી. સાધુઓનું કહેવું હતું કે, મંત્રી હોય કે કોઈપણ હોય- અમારી પરંપરાનો ભંગ ન થવો જોઈએ. મંત્રીના કાફલા પાછળ સાધુઓ દોડ્યા હોવાની વાતથી તંત્રના ઊચ્ચ અધિકારીઓ પણ સજાગ બની મામલો થાળે પાડવા પ્રયાસ કરવા લાગી ગયા હતા.

આશ્રમની પરંપરા જાળવવામાં તંત્ર નિષ્ફળ જતાં ધાર્મિક લાગણી દુભાઈ

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું ધાર્મિક મહત્વ સવિશેષ રહ્યું છે. ધાર્મિક પરંપરા જળવાય તે માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારી તંત્રે સંભાળવાની હોય છે. બુધવારેની ઘટનામાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી આવ્યા ત્યારે જન પ્રતિનિધિઓનો કાફલો બુટ-ચંપલ પહેરીને આશ્રમમાં આંટાફેરા કરતા હોવાથી સાધુઓમાં ઉશ્કેરાટની લાગણી ફેલાઈ હતી. સરકારી અધિકારીઓએ ધાર્મિક પરંપરાની યોગ્ય રીતે જાળવણી થાય તેની તકેદારી રાખી હોત તો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ ન હોત. ધાર્મિક પરંપરાનું પાલન કરાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની લાગણી લોકોમાં જોવા મળી હતી.

જૂનાગઢ રવાડીમાં પરંપરા તૂટી,ગૃહમંત્રીનો કાફલો જૂતાં પહેરી ટહેલતા સાધુઓએ પિત્તો ગુમાવ્યો 2 - image


Tags :