સચિન હોજીવાલા ઇન્ડ. માં ડુંગળી કાપવાના મુદ્દે યુવાનની બોથર્ડ પદાર્થ મારી હત્યા
- ગત રાતે જમતી વેળા ડુંગળી કાપવાનું કહેતા ઝઘડો થયો, એક રૂમ પાર્ટનર બંનેને છુટા પાડી નાઇટ પાળીમાં ગયોઃ સવારે આવ્યો ત્યારે રહેણાંક રૂમની બહાર લાશ હતી અને હત્યારો રૂમ પાર્ટનર ભાગી ગયો હતો
સુરત
સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત રાતે ડુંગળી કાપવાના મુદ્દે ઝઘડો થતા બોથર્ડ પદાર્થ અને ઇંટ મોંઢા અને માથાના ભાગે મારી હત્યા કરી રૂમ પાર્ટનર ભાગી જતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
બિહારના કૈમુર ભગવા જિલ્લાના દુર્ગાવતીના પિપરી ગામનો રહેવાસી જીઉત કમલા રાજભર (ઉ.વ. 35) ગત ઓગસ્ટ મહિનામાં રોજગારી માટે વતનથી સુરત આવ્યો હતો અને હાલમાં સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નં. 23 સ્થિત એલ/2 ખાતા નં. 6 અને 7 ગુરૂદેવ એન્ટરપ્રાઇઝની ઉપર ભાડાની રૂમમાં શ્રવણ રામકરણ રાય અને રાજુ ચૌહાણ (રહે. જનાવપુર, તા. શેખપુર, જી. બલીયા, યુ.પી) સાથે રહેતો હતો. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં નોકરી કરતો જીઉત સાંજે સાત વાગ્યે ઘરે આવ્યો હતો અને તેનો રૂમ પાર્ટનર એવો સાઢુભાઇ શ્રવણ રાય સાંજે સાડા છ વાગ્યે નાઇટ પાળીમાં ગયો હતો. જીઉત સાત વાગ્યે ઘરે આવ્યા બાદ જમવાનું બનાવ્યું હતું અને શ્રવણને ફોન કરી જમવા બોલાવ્યો હતો. જે અંતર્ગત જીઉતે રાજુ ચૌહાણને ડુંગળી કાપવાનું કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી શ્રવણે બંનેને છુટા પાડયા બાદ નાઇટ પાળીમાં ચાલ્યો ગયો હતો અને સવારે સાડા પાંચ વાગ્યે મોબાઇલ ચાર્જર લેવા પરત આવ્યો ત્યારે જીઉતની બોથર્ડ પદાર્થ મારી હત્યા થયેલી લાશ રહેણાંક ભાડાની રૂમની આગળ માથા અને મોંઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. જયારે રાજુ ચૌહાણ તેના કપડા તથા બેગ લઇને ભાગી ગયો હતો અને ફોન પણ બંધ હતો. જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત જ સચિન પોલીસ દોડી ગઇ હતી અને રાજુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.