સચિન GIDC પોલીસ મથકના P.I, સચિન પોલીસનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
કેમિકલ વેસ્ટથી છ નિર્દોષના મોતની ઘટનામાં
લાંબા સમયથી સચિન GIDCમાં ફરજ બજાવતા અન્ય 14 પોલીસ કર્મચારીની હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં બદલી
- કેમિકલ વેસ્ટથી છ નિર્દોષના મોતની ઘટનામાં
- લાંબા સમયથી સચિન GIDCમાં ફરજ બજાવતા અન્ય 14 પોલીસ કર્મચારીની હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં બદલી
સુરત, : સચિન જીઆઈડીસીમાં કેમિકલ વેસ્ટથી છ નિર્દોષના મોતની ઘટનામાં પોલીસ કમિશનરે સચિન જીઆઇડીસી પીઆઈ અને સચિન પોલીસ મથકના એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. જયારે લાંબા સમયથી સચિન જીઆઈડીસીમાં ફરજ બજાવતા અન્ય 14 પોલીસકર્મીની હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં બદલી કરી છે.
સુરત નજીક આવેલી સચિન જીઆઈડીસીના રોડ નં.3 ઉપર ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી વેળા ફેલાયેલા ઝેરી ગેસને કારણે ગુંગળામણથી વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આજરોજ સચિન જીઆઇડીસી પીઆઈ જે.પી.જાડેજાને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જયારે સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમસિંહ ધાંધલની ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા સાથે મોબાઈલ ફોન પર અવારનવાર વાત થતી હોવાના પુરાવા મળતા તેને પણ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યો હતો.
ઉપરાંત, પોલીસ કમિશનરે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા નવ એએસઆઈ અને પાંચ હેડ કોન્સ્ટેબલની બદલી હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં કરી છે.